RCBએ અચાનક બદલી ટીમ, જે ખેલાડીનું નામ જ લિસ્ટમાં ન હતું, તેને મેદાનમાં ઉતાર્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની છેલ્લી લીગ સ્ટેજ મેચ રમી હતી. આ દરમિયાન RCBના કેપ્ટન જીતેશ શર્માએ એક મોટી ભૂલ કરી. જે બાદ મેચ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તેને ટીમની પ્લેઈંગ 11 માં ફેરફાર કરવાની ફરજ પડી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેની છેલ્લી લીગ સ્ટેજ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી. લખનૌના ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચની શરૂઆત દરમિયાન RCB કેપ્ટન જીતેશ શર્મા તરફથી એક મોટી ભૂલ થઈ હતી. જેના કારણે ટીમ મેનેજમેન્ટને છેલ્લી ઘડીએ ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી. આ ભૂલે ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
RCBએ અચાનક ટીમ બદલી
ખરેખર, જીતેશ શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ ટોસ પછી, જ્યારે તેણે મેચ અધિકારીઓને પ્લેઈંગ 11 યાદી સોંપી, ત્યારે તેમાં એક મોટી ભૂલ જોવા મળી. આ યાદીમાં બેટ્સમેન રજત પાટીદારનું નામ પણ સામેલ હતું, જે ઈજાના કારણે છેલ્લી કેટલીક મેચોથી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે. જ્યારે ટીમના લેગ સ્પિનર સુયશ શર્માનું નામ આ યાદીમાંથી ગાયબ હતું. કારણ કે RCBએ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું અને સુયશ શર્મા જેવા બોલરની ગેરહાજરી ટીમની રણનીતિને અસર કરી શકે તેમ હતી.
RCB મેનેજમેન્ટે પ્લેઈંગ 11 માં ફેરફાર કર્યા
જોકે, RCB મેનેજમેન્ટે ભૂલ સુધારવા માટે તાત્કાલિક પગલાં લીધા. તેમણે છેલ્લી ઘડીએ મેચ અધિકારીઓ સાથે વાત કરી અને પ્લેઈંગ 11 માં ફેરફાર કર્યા. રજત પાટીદારને પ્લેઈંગ ૧૧ માંથી બહાર કરવામાં આવ્યો અને તેના સ્થાને સુયશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે રજત પાટીદારને ઈમ્પેક્ટ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો. આ ફેરફાર સમયસર કરવામાં આવ્યો હતો, જેથી ટીમને કોઈ વિવાદનો સામનો ન કરવો પડે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કોઈ IPL કેપ્ટને ટોસ દરમિયાન આવી ભૂલ કરી હોય.
RCB માટે મહત્વપૂર્ણ મેચ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ જ સારી રહી છે. તે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ તેઓ ટોપ-2 માં લીગ સ્ટેજ પૂર્ણ કરી શકશે કે નહીં તે આ મેચ દ્વારા નક્કી થશે. જો RCB જીતશે, તો તે ટોપ-2 માં પહોંચશે અને ફાઈનલમાં પહોંચવાની બે તકો મેળવશે. પરંતુ જો RCB હારી જાય, તો તેમને એલિમિનેટર મેચ રમવી પડશે, જ્યાં તેમનો સામનો મુંબઈની ટીમ સામે થશે.
આ પણ વાંચો: IPL 2025 : પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, ત્રણ સ્ટાર ખેલાડીઓએ છોડી ટીમ
