
13 વર્ષ પહેલા ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવીને કરોડો ભારતીયોને ખુશીઓથી ભરી દીધા હતા. કદાચ આ જ મેદાન પર તેની છેલ્લી મેચ પહેલા, ધોની ફરી એકવાર તે ટ્રોફીને જોતો જોવા મળ્યો અને ચાહકોની જૂની યાદો તાજી થઈ ગઈ.
વર્લ્ડ કપ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે પોતાની ધરતી પર ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 1983માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ ભારત માત્ર બીજી વખત જ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું અને વર્લ્ડ કપ જીતનાર પ્રથમ યજમાન દેશ બન્યો હતો.
વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીએ 92 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ગૌતમ ગંભીર (97) સાથે મળીને ભારતની જીત પર મહોર મારી હતી. ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન કુલશેકરાના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. તે જીતના 13 વર્ષ પછી ધોનીએ ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના હાથમાં લીધી. ધોની IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં BCCI હેડક્વાર્ટરમાં રાખવામાં આવેલી ટ્રોફી જોઈ હતી.
MS Dhoni World Cup Trophy
Made for each other❤️
BCCI HQ | @msdhoni | #TeamIndia pic.twitter.com/4Bak4bG7pA
— BCCI (@BCCI) April 13, 2024
BCCIએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં ધોની ટ્રોફીને હાથ વડે પ્રેમ કરતો અને તેને જોઈને હસતો જોવા મળ્યો હતો. પછી શું થયું, છેલ્લા 13 વર્ષથી ફરી ચેમ્પિયન બનવાની રાહ જોઈ રહેલા ભારતીય પ્રશંસકોની યાદો તાજી થઈ ગઈ અને તેઓએ કોમેન્ટમાં પૂર્વ કેપ્ટન પર ઘણો પ્રેમ વરસાવ્યો.
ટ્રોફી સાથેની આ મુલાકાત એમએસ ધોની માટે ખૂબ જ ખાસ છે કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે ધોનીનું આ છેલ્લું પગલું હોઈ શકે છે. તે લગભગ નિશ્ચિત છે કે ધોનીની IPLમાં આ છેલ્લી સિઝન છે અને આ પછી તે નિવૃત્તિ લઈ લેશે. ચેન્નાઈને આ સિઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં ફરી કોઈ મેચ રમવાની તક નહીં મળે કારણ કે પ્લેઓફ મેચ ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. આવી સ્થિતિમાં ધોનીએ છેલ્લી મુલાકાતને પણ યાદગાર બનાવી હતી.
આ પણ વાંચો : IPL 2024: કેપ્ટન ઈજાગ્રસ્ત થતા આ બ્રિટિશ ખેલાડીને મળી પંજાબની કપ્તાની, ભારતીય વાઈસ કેપ્ટન સાથે થયો અન્યાય!