IPL 2024: પંજાબે ચેન્નાઈને સતત ચોથી વખત હરાવ્યું, પ્રીટિ ઝિન્ટાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

પંજાબ કિંગ્સની ટીમને હળવાશથી લેવી કોઈપણ માટે મોંઘી સાબિત થઈ શકે છે. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા બાદ પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સને પણ હરાવ્યું હતું. મોટી વાત એ છે કે પંજાબે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ જીત નોંધાવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબને લક્ષ્યાંક હાંસલ કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. પંજાબે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

IPL 2024: પંજાબે ચેન્નાઈને સતત ચોથી વખત હરાવ્યું, પ્રીટિ ઝિન્ટાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું
CSK vs PBKS
| Updated on: May 02, 2024 | 12:04 AM

પંજાબની ટીમ ભલે મજબૂત દેખાતી ન હોય પરંતુ આ ટીમે છેલ્લી બે સિઝનમાં ચાર વખત ચેન્નાઈને હરાવ્યું છે. પંજાબે ચેન્નાઈને સતત ચોથી વખત હરાવ્યું છે. આ સિઝનની વાત કરીએ તો પંજાબની ટીમનું પ્રદર્શન સતત સારું રહ્યું નથી પરંતુ આ ટીમે મજબૂત ટીમોને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધા છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈને હરાવીને આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગઈ છે, તેના 10 મેચમાં 8 પોઈન્ટ છે.

ગાયકવાડની ઈનિંગ વ્યર્થ ગઈ

ચેન્નાઈની ધીમી પિચ પર પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. રહાણે અને ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 50 બોલમાં 64 રન જોડ્યા હતા. જોકે આ પછી ચેન્નાઈની 2 વિકેટ ઝડપથી પડી ગઈ હતી. શિવમ દુબે પ્રથમ બોલ પર અને રવીન્દ્ર જાડેજા માત્ર 2 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી સમીર રિઝવીએ સુકાની ગાયકવાડ સાથે મળીને ઈનિંગ સંભાળી હતી,

55 બોલમાં કોઈ બાઉન્ડ્રી ફટકારી નહીં

આ દરમિયાન ચેન્નાઈએ 55 બોલમાં કોઈ બાઉન્ડ્રી ફટકારી ન હતી, જો કે ગાયકવાડે 48 બોલમાં 62 રન ફટકાર્યા હતા. પરંતુ તેમ છતાં ચેન્નાઈની ટીમ સ્કોરબોર્ડ પર માત્ર 162 રન જ બનાવી શકી હતી, જે પંજાબ માટે ઓછી સાબિત થઈ હતી. રાહુલ ચહરે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. હરપ્રીત બ્રારે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. પંજાબના આ બે સ્પિનરોએ જ ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા સ્કોર સુધી પહોંચવા દીધું નહીં.

બેરસ્ટો-રૂસોએ તાકાત બતાવી

પંજાબની શરૂઆત સારી રહી ન હતી. પ્રભસિમરન સિંહ માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ પછી બેયરસ્ટો અને રૂસોએ શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ઝડપથી બીજી વિકેટ માટે 64 રન જોડ્યા હતા. જોની બેયરસ્ટોએ 30 બોલમાં 46 રન બનાવ્યા હતા. રિલે રૂસોએ 23 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. શશાંક સિંહે અણનમ 25 અને સુકાની સેમ કરને અણનમ 26 રન બનાવી ટીમને જીત તરફ દોરી હતી.

આ પણ વાંચો : T20 World Cup: ઓસ્ટ્રેલિયાને મળ્યો નવો કેપ્ટન, સ્ટીવ સ્મિથને ન મળ્યું સ્થાન, IPLમાં 23 સિક્સર મારનાર પણ બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Wed, 1 May 24