હાર્દિક પંડ્યાએ ભાગ્યે જ વિચાર્યું હશે કે મુંબઈમાં વાપસી આટલી ખરાબ સાબિત થશે. ગુજરાતને સતત 2 સિઝન સુધી ફાઈનલમાં લઈ ગયા બાદ હાર્દિક પંડ્યા મુંબઈમાં પરત ફર્યો. જે બાદ રોહિત શર્માની જગ્યાએ ટીમના કેપ્ટન તરીકે હાર્દિકની નિમણૂક કરવામાં આવી, ત્યારથી તે સતત ફેન્સના નિશાના પર છે. હવે તેની કપ્તાનીમાં મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં હાર્દિકની કેપ્ટનશીપ જોખમમાં છે, કારણ કે સિનિયર ખેલાડીઓએ તેની સામે સવાલ ઉઠાવ્યા છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સના ઘણા વરિષ્ઠ ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ચલાવવાની રીત પર સવાલો ઉઠાવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક મેચ બાદ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ સહિત ટીમના તમામ ખેલાડીઓ કોચિંગ સ્ટાફને મળ્યા, ત્યારબાદ કેટલાક સિનિયર ખેલાડીઓએ અલગ-અલગ વાત કરી અને ટીમના ખરાબ પ્રદર્શનના કારણો સમજાવ્યા.
ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોથી જ હાર્દિક પંડ્યાના ઘણા નિર્ણયો પર સતત સવાલો ઉઠ્યા હતા. ક્યારેક જસપ્રીત બુમરાહને બોલિંગ માટે મોડો લાવવો, ક્યારેક બેટિંગ ક્રમમાં યોગ્ય સમયે યોગ્ય બેટ્સમેનને ન મોકલવો, આવું ઘણીવાર જોવા મળતું હતું. આ ઉપરાંત મેચમાં હાર બાદ હાર્દિકનું નામ લીધા વગર યુવા બેટ્સમેન તિલક વર્માને જવાબદાર ઠેરવીને હાર્દિક પર વધુ સવાલો ઉભા કર્યા હતા.
એવું લાગી રહ્યું છે કે આ કારણે હાર્દિકની કેપ્ટન્સી પણ જોખમમાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિઝનની સમાપ્તિ પછી દર વર્ષની જેમ આ વખતે પણ ટીમના પ્રદર્શનનું પોસ્ટમોર્ટમ થશે અને જો જરૂર પડશે તો ફ્રેન્ચાઈઝી ટીમના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. હવે શું મોટો નિર્ણય લેવામાં આવશે, તે આગામી થોડા મહિનામાં જ સ્પષ્ટ થશે. આ સિઝન પછી મેગા ઓક્શન થવાની છે, તો શું ટીમ હાર્દિકની જગ્યાએ રોહિતને ફરીથી કેપ્ટન બનાવશે કે પછી સૂર્યા, બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓમાંથી કોઈને પસંદ કરશે કે પછી હાર્દિકને બીજી તક આપવામાં આવશે?
આ પણ વાંચો : IPL 2024: રોહિત-બુમરાહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ! હાર બાદ MIમાં હંગામો