IPL 2023 Auction: CSK એ એવા ખેલાડીને ખરિદ્યો કે જે બોક્સર હતો, વડોદરા સામે સદી નોંધાવનારો જાડેજાનો ફેન
ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 18 વર્ષના ખેલાડીને 60 લાખ રુપિયામાં ખરીદ્યો છે. આ એક ઓલ રાઉન્ડર ખેલાડી છે. તે હાલમાં જ વડોદરા સામે રણજી ટ્રોફીમાં સદી નોંધાવી ચુક્યો છે.
હાલમાં જ વડોદરા સામેની રણજી ટ્રોફીની મેચમાં એક નામ ખૂબ ગૂંજ્યુ હતુ, એ નામ હતુ નિશાંત સિંધૂ. આ ઓલરાઉન્ડરે વડોદરાની ટીમ સામે હરીયાણા વતી રમતા સદી નોંધાવી હતી. તેણે 100 બોલમાં જ 110 રન નોંધાવી દીધા હતા. રેડ બોલની મેચમાં તેણે વ્હાઈટ બોલ જેવુ પરાક્રમ કરતી બેટીંગ કરી હતી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તો વળી તેણે 3 વિકેટ પણ પ્રથમ ઈનીંગમાં ઝડપી હતી. આ ખેલાડી હવે આઈપીએલનો હિસ્સો બન્યો છે અને તેને ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની સાથે જોડ્યો છે.
સિંધૂ ક્રિકેટ પહેલા બોક્સિંગ કરતો હતો. એટલે કે બોક્સર હતો. તે ધોની કરતા વધારે જાડેજાનો ફેન છે. તે હવે યલો જર્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં જોવા મળશે. ચેન્નાઈએ તેને 60 લાખ રુપિયા ખર્ચીને પોતાની સાથે જોડ્યો છે.
સપનુ થયુ સાકાર
ચેન્નાઈની ટીમે તેને પોતાની સાથે જોડાયા બાદ નિશાંત સિદ્ધુએ સ્પોર્ટ્સ સ્ટાર સાથે વાતચીતમાં કહ્યું, “આઈપીએલ રમવાનું મારું સપનું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આઈપીએલ હંમેશા મારા મગજમાં ચાલે છે. હું ખુશ છું કે આ વખતે મને તે તક મળવાની છે. મને મારી મહેનતનું ફળ મળી રહ્યું છે.
વડોદરામાં મોબાઈલ પર ઓક્શન જોયુ
હાલમા તે વડોદરા છે અને જ્યાં તેણે પોતાના મોબાઈલ ફોન પર આઈપીએલ ઓક્શન નિહાળી હતી. હરિયાણાની ટીમ રણજી ટ્રોફીની મેચ રમવા માટે વડોદરા છે. જયાં બરોડા સામેની તેમની મેચ ડ્રો રહી છે. આ મેચમાં જ નિશાંતે વડોદરાની ટીમ સામે સદી નોંધાવી હતી. હવે તેને આઈપીએલમાં પ્રવેશ મળી ગયો છે. આમ સદી બાદ સપનુ પણ સાકાર થયાના સમાચાર મળતા તેની ખુશીઓ બેવડાઈ ગઈ છે. તેણે કહ્યુ હતુ કે, વડોદરા સામેની મેચ સારી રહી હતી પરંતુ પરિણામ ડ્રો રહ્યું હતું. મેચ પછી અમે બધાએ ફોન પર હરાજી જોઈ. તેણે કહ્યું, “હું ધોની સરની અંદર રમવા જઈ રહ્યો છું. તે મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
પહેલા બોક્સર હતો, હવે ક્રિકેટર
ક્રિકેટર બનતા પહેલા નિશાંત બોક્સર હતો. પિતાના પગલે ચાલીને તે પણ બોક્સર બનવા માંગતો હતો. પરંતુ હરિયાણાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અશ્વની કુમારની ક્રિકેટ એકેડમીમાં જોડાયા બાદ ક્રિકેટમાં તેમનો રસ વધ્યો. વર્ષ 2018-19માં નિશાંતે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં 23 વિકેટ લેવા ઉપરાંત 572 રન બનાવ્યા હતા. તે ફાઇનલમાં ઝારખંડ સામે હરિયાણાની જીતનો હીરો પણ બન્યો હતો.