IPL 2022: ‘ચેઝ માસ્ટર’ કોહલીએ લક્ષ્યાંકનો પીછો કરતી રમી આ ટોપ 5 ઈનિંગ્સ, એકમાં તો એકલા હાથે મેચ જીતાડી
Virat Kohli : વિરાટ કોહલીને હંમેશા ચેઝ માસ્ટર માનવામાં આવે છે. તે પોતાની આવડતના કારણે ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ઘણો સફળ રહ્યો છે. મહત્વનું છે કે આ સિઝનમાં તે કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
વિરાટ કોહલી (Virat Kohli)ને હંમેશા ચેઝ માસ્ટર માનવામાં આવે છે. તે પોતાની આવડતના કારણે ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ઘણો સફળ રહ્યો છે. રનનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. આઈપીએલ પણ તેની કેટલીક યાદગાર ઈનિંગ્સની સાક્ષી બની છે તો ચાલો જાણીએ IPLમાં લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલીની 5 યાદગાર ઈનિંગ્સ.
IPL 2016માં રાઈજિંગ પૂણે સુપરજાયન્ટ્સ સામે રમેલી અણનમ 108 રનની ઈનિંગ
વિરાટ કોહલી માટે 2016ની આઈપીએલ અત્યાર સુધીની સૌથી યાદગાર લીગ રહી છે. તેણે આ સિઝનમાં 973 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી પણ ફટકારી હતી. પૂણે ટીમે આ સિઝનમાં બેંગ્લોર સામે 192 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ 58 રનમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 108* રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવવામાં મહત્વની ઈનિંગ રમી હતી.
IPL 2013માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમી 93 રનની અણનમ ઇનિંગ
આ મેચમાં SRH સામે 162 રનનો પીછો કરતા RCB 2 વિકેટ ગુમાવીને 47 રનમાં સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ 47 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. બેંગ્લોરે આ મેચ 14 બોલ બાકી રહેતા 7 વિકેટે જીતી લીધી હતી.
IPL 2016માં કોલકાતા સામે રમી 75 રનની અણનમ ઈનિંગ
આ મેચમાં 184 રનના લક્ષ્યનો પીછો કરતા બેંગ્લોર ટીમે 71 રનના સ્કોર પર ક્રિસ ગેલને ગુમાવી દીધો હતો. જો કે ત્યારબાદ ફેન્સને કોહલી અને ડી વિલિયર્સનો શો જોવા મળ્યો હતો. કોહલીએ આ મેચમાં 51 બોલમાં 75 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સિવાય એબી ડી વિલિયર્સે 31 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. તેની ઈનિંગના કારણે જ બેંગ્લોરે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી.
IPL 2020માં રાજસ્થાન સામે રમી 72 રનની અણનમ ઈનિંગ
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન દેવદત્ત પડિકલ (63) અને વિરાટ કોહલીના અણનમ 72 રનના આધારે બેંગ્લોરે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.
IPL 2021માં રાજસ્થાન સામે ફરી રમી 72 રનની અણનમ ઈનિંગ
રાજસ્થાન રોયલ્સ સામે લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલી હંમેશા સારો દેખાવ કરે છે. આ મેચમાં પણ રાજસ્થાન રોયલ્સ સામે 178 રનના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરે કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 72 અને દેવદત્ત પડિકલના અણનમ 101 રનના આધારે એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં દેવદત્ત અને વિરાટ કોહલી બંનેએ રાજસ્થાન તરફથી કોઈ બોલરને છોડ્યો ન હતો.