IND vs WI: અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે મેદાને ઉતરતા જ ટીમ ઇન્ડિયા રચશે ખાસ રેકોર્ડ, હાંસલ કરશે આ ઉપલબ્ધી
ભારતીય ટીમ (Indian Cricket Team) ODI ક્રિકેટના ઈતિહાસમાં કંઈક એવું કરશે, જે આજ પહેલા કોઈ ટીમે કરી નથી અને આ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે 3 મેચની ODI શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. બંને ટીમના ચાહકો આ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચોમાં અવારનવાર ઘણા રેકોર્ડ બને છે અને દેખીતી રીતે આ વખતે પણ તેની કોઈ કમી નહીં હોય. બેટ અને બોલની ટક્કરમાં જે રેકોર્ડ બનશે તે પહેલા પણ એક વર્લ્ડ રેકોર્ડ ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ના નામે હશે. એક એવો રેકોર્ડ જે આજ સુધી દરેક ટીમની પહોંચની બહાર રહ્યો છે. આ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં બનશે.
જ્યારે ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તે તેની 1000મી ODI મેચ હશે. ટીમ ઈન્ડિયા આ સ્થાને પહોંચનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની જશે.
ભારતીય ટીમની વન ડે ક્રિકેટની સફર ઇંગ્લેન્ડ સામેથી થઇ હતી. ભારતીય ટીમે 13 જુલાઈ 1974ના રોજ લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી, જેમાં ટીમનો 4 વિકેટે પરાજય થયો હતો. ત્યાર થી લઇને અત્યાર સુધીમાં અનેક ચઢાવ ઉતાર સાથે ટીમ ઇન્ડિયા 1 હજાર વન ડે મેચ ના માઇલ સ્ટોનને સ્પર્શી રહી છે. જ્યારે 3 વન ડે મેચોની સિરીઝ સમાપ્ત થતા જ ભારતીય ટીમ 1002 વન ડે મેચ રમવાનો અનુભવ ધરાવતી હશે.
ત્યારથી, અત્યાર લગી ભારતે 999 ODI રમી છે, જેમાં ટીમે 518માં જીત મેળવી છે. જ્યારે 431 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી વધુ જીતના મામલે ભારત ઓસ્ટ્રેલિયા (581) પછી બીજા ક્રમે છે જ્યારે શ્રીલંકા (432) સૌથી વધુ હારના મામલે બીજા ક્રમે છે.
900 થી વધુ વન ડે મેચ આ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન રમી ચુક્યા છે
ભારત સિવાય માત્ર બે ટીમોએ 900 થી વધુ વનડે રમી છે. 1971માં ઈંગ્લેન્ડ સાથે પ્રથમ ODI મેચ રમનારી ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધીમાં 958 મેચ રમી છે. જેમાં 581માં જીત અને 334માં હાર થઈ છે. તે જ સમયે, પાકિસ્તાને 936 મેચ રમી છે, જેમાં 490 જીતી છે, જ્યારે 417 હારી છે. આમ હવે ભારતીય ટીમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં હવે એક વિશાળ માઇલ સ્ટોને પહોંચશે.