વર્લ્ડ કપ 2023: દરેક મેચ જીતી ચેમ્પિયન બનશે ભારત! દરેક મામલે છે અવ્વલ ટીમ ઈન્ડિયા
સતત છ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર રાજ કરી રહ્યું છે. હવે એક જીત અને ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં ક્વોલિફાય થઈ જશે. ટીમનું પ્રદર્શન જોતાં ભારત તમામ મેચ જીતી ક્વોલિફાય કરશે એવું લાગી રહ્યું છે. જો આ જ ફોર્મ રહ્યું તો ભારતને ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં.
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું અત્યારસુધીનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. ભારતે તમામ મોરચે અવ્વલ પ્રદર્શન કરી તમામ મેચો જીતી છે અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી વર્લ્ડ કપની દાવેદાર ટીમોને આસાનીથી હરાવી છે. જે બાદ હવે એમ કહી શકાય કે સામે કોઈ પણ હોય આ ટીમમાં તેને હરાવી દેશે.
ભારત હાલ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ટોપ પર છે અને એક પણ મેચ હાર્યું નથી. ટીમના દમદાર પ્રદર્શન પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જેમાં ચાર એવા ખાસ પોઈન્ટ છે જેનાથી એમ કહીં શકાય કે હવે ભારતને ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં.
મજબૂત બેટિંગ લાઈનઅપ
વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાનું બેટિંગ યુનિટ સર્વશ્રેષ્ઠ છે. ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર, કે પછી લોઅર ઓર્ડર દરેક ખેલાડી પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સામે ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો તો મિડલ ઓર્ડરે જીત અપાવી. ન્યુઝીલેન્ડ સામે ટોપ ઓર્ડરે જીતનો પાયો નાખ્યો, તો લખનૌમાં મુશ્કેલ પીચ પર ટીમને સારા સ્કોર સુધી બેટ્સમેનોએ પહોંચાડી.
બેસ્ટ ફાસ્ટ બોલિંગ યુનિટ
હાલમાં ભારત પાસે બેટિંગની સાથે બોલિંગમાં પણ બેસ્ટ ખેલાડીઓ છે. બુમરાહ, શમી અને સિરાજ શરૂઆતની ઓવરથી જ આક્રમક બોલિંગ કરી વિરોધી ટીમના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી રહ્યા છે. અત્યારસુધી ટુર્નામેન્ટમાં બુમરાહે 14, શમીએ 9 અને સિરાજે 6 વિકેટ લીધી છે અને વર્લ્ડ કપમાં બેસ્ટ ફાસ્ટ બોલિંગ યુનિટ સાબિત થયું છે.
કેપ્ટનનું દમદાર પ્રદર્શન
કોઈ પણ ટીમ માટે કેપ્ટનનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ખાસ કરી વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં કપ્તાનનું પ્રદર્શન ટીમના અન્ય ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે, સાથે જ વિરોધી ટીમ પર પણ તેની અસર જોવા મળે છે. કેપ્ટન રોહિતના વર્લ્ડ કપના આંકડા તેને વિશ્વ કપનો બેસ્ટ બેટ્સમેન સાબિત કરે છે અને હાલનું તેનું ફોર્મ પણ આનું જ સાક્ષી બની રહ્યું છે અને ભારતને જીતવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
ટીમ જીત માટે કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી
ટીમ ઈન્ડિયામાં જીતની ભૂખ વધુ દેખાઈ રહી છે. દરેક ખેલાડી પોતાનું 100 ટકા આપી રહ્યા છે જેથી ટીમ માત્ર એક-બે ખેલાડીના પ્રદર્શન પર નિર્ભર નથી રહી. વિરાટ-રાહુલે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ મેચ જીતી, રોહિતે અફઘાનિસ્તાન સામે વિજયી સદી ફટકારી, બુમરાહે પાકિસ્તાન સામે જીત અપાવી, કોહલીએ બાંગ્લાદેશ સામે અને શમીએ ન્યુઝીલેન્ડ સામેની જીત અપાવી, તો ઈંગ્લેન્ડ સામે રોહિત જીતનો હીરો સાબિત થયો.
આ પણ વાંચો : વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ત્રીજી જીત, શ્રીલંકા-પાકિસ્તાન બાદ શ્રીલંકાને પણ હરાવ્યુ