T20 વર્લ્ડ કપની ચાલુ મેચમાં બબાલ! ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ભારતીય બોલર પર થયો લાલધુમ, પછી થઈ કેપ્ટનની એન્ટ્રી, જુઓ Video

ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન અર્શદીપ સિંહ અને ડેરિલ મિશેલ વચ્ચે મેદાન પર તણાવ સર્જાયો. બોલ લાગતા મિશેલ ગુસ્સે થયો.

T20 વર્લ્ડ કપની ચાલુ મેચમાં બબાલ! ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ભારતીય બોલર પર થયો લાલધુમ, પછી થઈ કેપ્ટનની એન્ટ્રી, જુઓ Video
| Updated on: Mar 09, 2026 | 8:44 AM

ICC T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ વચ્ચે મેદાન પર તણાવપૂર્ણ ક્ષણો સર્જાઈ હતી. આ ઘટના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ દરમિયાન બની હતી. પરિસ્થિતિ એટલી ગરમાઈ ગઈ કે અમ્પાયર અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની 11મી ઓવરમાં બની હતી. તે સમયે અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યો હતો અને ડેરિલ મિશેલ બેટિંગ પર હતો. મિશેલે અર્શદીપની ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા, જેના કારણે મેચમાં ઉત્સાહ વધી ગયો. થોડા બોલ બાદ મિશેલે અર્શદીપ તરફ આવતા બોલને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અર્શદીપે બોલ ઉઠાવી સ્ટમ્પ તરફ ફેંક્યો, પરંતુ બોલ મિશેલને લાગી ગયો.

આ ઘટનાથી મિશેલ ગુસ્સે થઈ ગયો અને તેણે અર્શદીપ પર ઉંચી અવાજે પ્રતિક્રિયા આપી. મેદાન પર અચાનક તણાવનું વાતાવરણ સર્જાયું અને બંને ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી જોવા મળી. પરિસ્થિતિને ગંભીર બનતી જોઈને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ તરત જ મિશેલ તરફ દોડી ગયા અને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. સાથે જ અમ્પાયરે પણ અર્શદીપ સાથે વાત કરી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી.

થોડીવાર પછી બંને ખેલાડીઓ વચ્ચેનો વિવાદ શાંત થઈ ગયો. કેપ્ટન અને અમ્પાયરના સમજાવ્યા બાદ અર્શદીપ સિંહ અને ડેરિલ મિશેલે ઓવરના અંતે હાથ મિલાવી મામલો સમાપ્ત કર્યો. મેદાન પર બનેલી આ હાઇ-વોલ્ટેજ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

આ ઘટનાના થોડા સમય બાદ મિશેલ 13મી ઓવરમાં આઉટ થયો. અક્ષર પટેલના બોલ પર ઇશાન કિશને તેનો કેચ પકડી લીધો. મિશેલ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો અને અક્ષર પટેલે પોતાની ત્રીજી વિકેટ મેળવી. મહત્વનું છે કે મેચ બાદ અર્શદીપ સિંહ અને ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં લાગી રહ્યું છે કે બંને વચ્ચે તાત્કાલિક સમાધાન થઈ ગયું છે.

મેચની વાત કરીએ તો ભારતે પહેલા બેટિંગ કરતાં 256 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ન્યુઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ અને સતત વિકેટ ગુમાવતી રહી. અંતે ભારતીય ટીમે 96 રનથી જંગી જીત મેળવી અને T20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી.

આ જીત સાથે ભારતે ઇતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની અને કુલ ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર, ભારત T20 ફોર્મેટમાં ત્રણ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની