ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ લખનૌમાં રમાઈ હતી. ભારતે બીજી મેચ જીતી લઈને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી હતી. ભારતને 100 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ, જે પાર કરી લીધુ હતુ. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટન્ટરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રાંચીમાં આતશી બેટિંગ કરનારી કિવી ટીમના બેટરોના બેટ આજે શાંત જોવા મળ્યા હતા. 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રનના સ્કોર પર જ ન્યુઝીલેન્ડની ટીમ નિર્ધારીત 20 ઓવર સમાપ્ત થતા અટકી ગઈ હતી.
હવે અમદાવાદમાં રમાનારી ટી20 શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ નિર્ણાયક બની રહેશે. રાંચીમા રમાયેલી સિરીઝની પ્રથમ મેચ ભારતે 21 રનથી ગુમાવી હતી. ત્યાર બાદ લખનૌમાં રવિવારે રમાયેલી મેચને જીતી લઈ ભારતે સિરીઝને બરાબર કરી લીધી હતી. આમ અમદાવાદની મેચમાં વિજયી રહેનારી ટીમ સિરીઝ જીતીને ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવશે.
ઓપનીંગની સમસ્યા ફરી એકવાર રહી હતી. ભારતીય ઓપનીંગ જોડી 17 રનના સ્કોર પર જ તૂટી ગઈ હતી. શુભમન ગિલ પ્રથમ વિકેટના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. ગિલે 9 બોલનો સામનો કરીને 11 રન નોંધાવ્યા હતા. ઈશાન કિશન 19 રન 32 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. ઈશાન રન આઉટ થતા પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠીએ 18 બોલમાં 13 રન નોંધાવ્યા હતા. ભારતે 50 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી.
બાદમાં સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરની જોડીએ રમતને આગળ વધારી હતી. જોકે વોશિંગ્ટન સુંદર 10 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થયો હતો. સૂર્યા અને સુંદર વચ્ચે રન લેવાના મામલે તાલમેલ નહીં જળવાતા બંને બેટર એક જ છેડે ભેગા થઈ ગયા હતા. સૂર્યાએ ભારત વતી સૌથી વધારે 26 રન નોંધાવ્યા હતા. આ માટે 31 બોલનો સામનો કર્યો હતો. સૂર્યાને સાથ આપવા માટે સિરીઝમાં ભારતનુ સુકાન સંભાળતા હાર્દિક પંડ્યા આવ્યો હતો. તેણે 20 બોલનો સામનો કરીને 15 રન નોંધાવ્યા હતા.
ટોસ જીતીને બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમના બેટરોને ભારતીય બોલરોએ જાણેકે નિયંત્રણમાં બાંધી રાખ્યા હતા. પિચની મદદ પણ સારી મળી રહી હતી. પરિણામે ન્યુઝીલેન્ડની ટીમે 8 વિકેટ ગુમાવીને 99 રન નોંધાવ્યા હતા. કિવી ટીમ માટે સૌથી વધારે કેપ્ટન સેન્ટનરે 19 રન નોંધાવ્યા હતા. માઈકલ બ્રેસવેલે અને માર્ક ચેપમેને 14-14 રનની ઈનીંગ રમી હતી. જ્યારે બંને ઓપનરો ફિન એલેન અને ડેવેન કોન્વેએ 11-11 રનની ઈનીંગ રમી હતી.
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવર કરતા એક મેડન ઓવર કરી માત્ર 4 જ રન ગુમાવ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે પણ આજે સારી બોલિંગ કરી હતી. તેણે ઈનીંગની 18 અને 20મી ઓવર કરી હતી. તેણે અંતિમ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. 2 ઓવરમાં માત્ર 7 જ રન ગુમાવ્યા હતા.