IND vs IRE: ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ ન કરી શક્યું એ કમાલ બુમરાહ કરશે!
જસપ્રીત બુમરાહની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 3 મેચની શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ છે અને હવે તેની નજર બીજી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા પર છે. જો આમ થશે તો બુમરાહના નામે એક શાનદાર રેકોર્ડ નોંધાઈ જશે.
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ભારતીય T20 ટીમનું સુકાન સંભાળનાર ભારતનો 11મો કેપ્ટન છે. છેલ્લા 17 વર્ષમાં વીરેન્દ્ર સેહવાગ, એમએસ ધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે T20 ટીમની કપ્તાની કરી છે. આ બધાએ ભારતને ઘણી મોટી અને ઐતિહાસિક જીત અપાવી છે, પરંતુ બુમરાહ પાસે કંઈક એવું કરવાની તક છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલા કોઈ T20 ટીમના કેપ્ટને કરી નથી.
ટીમ ઈન્ડિયા 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ
બુમરાહ જ્યારે રવિવારે આયર્લેન્ડ સામેની બીજી T20 મેચ માટે મેદાનમાં ઉતરશે, ત્યારે તેની નજર કંઈક એવું કરવા પર હશે જે આજ સુધી કોઈ ભારતીય કેપ્ટન નથી કરી શક્યો. ઈજામાંથી લગભગ 11 મહિના બાદ મેદાન પર પરત ફરેલા બુમરાહે પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પોતાની જૂની લયમાં પાછો ફરતો પણ જોવા મળ્યો હતો. તેણે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.
Jasprit Bumrah becomes the first specialist bowler to lead India in both Tests and T20Is.#IREvIND pic.twitter.com/3lwR0Xp0zE
— CricTracker (@Cricketracker) August 18, 2023
T20 સીરિઝ જીતી બનાવશે રેકોર્ડ!
બુમરાહ આયર્લેન્ડ સામેની 3 T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે બીજી મેચમાં ટીમનો પ્રયાસ લીડ બમણી કરવાની સાથે સાથે શ્રેણી પર કબજો કરવાનો રહેશે. જો ટીમ ઈન્ડિયા આવું કરવામાં સફળ રહે છે તો બુમરાહ કેપ્ટન તરીકે T20 સીરિઝ જીતનાર ભારતીય ક્રિકેટ ઈતિહાસનો પહેલો બોલર બની જશે. તેના પહેલા જે 10 કેપ્ટનો સીરિઝ જીત્યા હતા તે તમામ બેટ્સમેન હતા.
આ પણ વાંચો : Asia Cup 2023: પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો
પ્રથમ T20માં વરસાદના કારણે બેટિંગ શક્ય ન બની
પ્રથમ મેચમાં બધાની નજર બુમરાહની ફિટનેસ પર હતી, પરંતુ સીરિઝની બીજી મેચમાં હવે બુમરાહની સાથે સાથે તમામની નજર તે બેટ્સમેન પર રહેશે જે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવે છે. રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ છેલ્લી મેચમાં ડેબ્યૂ કર્યું હતું. કૃષ્ણાને તેની ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો, પરંતુ રિંકુને તે તક મળી નહીં. વરસાદને કારણે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરને બેટિંગ કરવાની તક મળી ન હતી. પ્રથમ T20માં આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 139 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદે આગળ રમવાની મંજૂરી આપી ન હતી અને ડકવર્થ લુઈસના આધારે ભારતે 2 રને મેચ જીતી લીધી હતી.