ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ 1-1 થી બરાબર થઈ ચુકી છે. સિરીઝની બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. વરસાદની આગાહી વચ્ચે વિશાખાપટ્ટનમમાં મિશેલ સ્ટાર્કનુ પહેલા બોલિંગ આક્રમણ અને બાદમાં ઓસ્ટ્રેલિયન ઓપનરોના બેટથી આગ વરસી હતી. ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 117 રનમાં જ સમેટાઈ જતા ઓસ્ટ્રેલિયા સામે આસાન લક્ષ્ય આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ આસાનીથી આ લક્ષ્ય પુરુ કરી લીધુ હતુ. ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયન ઓપનરોએ શરુઆતથી જ 20-20 ફોર્મેટની માફક ધમાલ મચાવવી શરુ કરી હતી. એક સમયે એક એક રન આ પીચ પર ભારતીય બેટરોને રન નિકાળવા મુશ્કેલ થઈ રહ્યા હતા. એ જ પીચ પર ઓસ્ટ્રેલિયન બેટરોએ તોફાની રમત બતાવીને ઝડપથી મેચનુ પરિણામ લાવી દીધુ હતુ. હવે સિરીઝ બરાબરી પર રહેતા અંતિમ વનડે મેચ નિર્ણાયક બની રહેશે.
વિના વિકેટે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ઓપનરો મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ બંનેએ અડધી સદી નોંધાવી હતી. શરુઆતથી જ બંને બેટરોએ ધમાલ મચાવતી શરુઆત કરી હતી. તેઓની રમતની શરુઆત જ બતાવી રહ્યુ હતુ કે, વિના વિકેટે જ બંને ઓપનરોએ 10મી 11મી ઓવરમાં મેચનુ પરિણામ સામે લાવી દેશે. એ જ પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ 11 ઓવરમાં જ લક્ષ્ય પાર કરી લીધુ હતુ. ભારત માટે આ કારમી રહી હતી. ભારતીય બેટરોને એક એક રન માટે તરસવુ પડ્યુ હતુ, જેની સામે બીજી તરફ ઓસ્ટ્રેલિયન બેટરોએ ધમાલ મચાવતા રન નિકાળ્યા હતા.
મિશેલ માર્શે 36 બોલનો સામનો કરીને 66 રન નોંધાવ્યા હતા. માર્શે આ દરમિયાન 6 છગ્ગા જમાવ્યા હતા. જેમાંથી ત્રણ છગ્ગા હાર્દિક પંડ્યાની એક જ ઓવરમાં જમાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા નોંધાવ્યા હતા. હેડે એક જ ઓવરમાં ચાર ચોગ્ગા સળંગ ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાના બેટરો આજે પણ ફ્લોપ રહ્યા હતા. મુંબઈ વનડેમાં 188 રનના આસાન લક્ષ્યને પાર કરવા માટે ટીમ ઈન્ડિયા સંઘર્ષ કરી રહી હતી. 39 રનમાં જ ભારતે 4 વિકેટ પ્રથમ વનડેમાં ગુમાવી દીધી હતી. વિશાખાપટ્ટનમમાં પણ આ જ સ્થિતીનુ પુનરાવર્તન થયુ હતુ અને માત્ર 49 રનના સ્કોરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. 32 થી 49 રનના સ્કોર સુધી પહોચવા સુધીમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરમાં જ ભારતે ત્રીજા બોલે ત્રણ રનના ટીમ સ્કોર પર ઓપનર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલીએ નોંધાવ્યા હતા. અક્ષર પટેલ અણનમ રહ્યો હતો.