IND vs AUS: હાર્દિક પંડ્યા ODI કેપ્ટન રહેતા ચમક્યો, જાણો પ્રથમ વનડે મેચની કેપ્ટનશિપ અંગેની 5 મહત્વની વાતો
ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે શરુ થયેલી વનડે સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. 5 વિકેટે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને મુંબઈ વનડેને જીતી લીધી હતી. આમ ભારતે 3 મેચોની સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.
ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે શરુ થયેલી વનડે સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. 5 વિકેટે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને મુંબઈ વનડેને જીતી લીધી હતી. આમ ભારતે 3 મેચોની સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે વનડે સિરીઝ પોતાને નામે કરવાનો ભારતીય ટીમનો ઈરાદો રહેશે. રોહિત શર્મા પ્રથમ વનડે મેચ માટે રજા મેળવવાને લઈ ઉપલબ્ધ રહી શક્યો નહોતો. રોહિતના સ્થાને ટીમ ઈન્ડિયાનુ સુકાન હાર્દિક પંડ્યાએ સંભાળ્યુ હતુ, અને વનડે ફોર્મેટમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતા તે ચમક્યો હતો. ટોસ જીતીને તેણે રનચેઝ કરવાની રણનિતી અપનાવી હતી.
રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિકની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને અનેક પાસાઓનો સારી રીતે અનુભવ થયો હતો. જે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને હાર્દિક પંડ્યા બંનેને માટે મહત્વનુ હતુ. હરીફ ટીમને ઝડપથી સમેટી લેવા છતા, આસાન લક્ષ્ય સામે મુશ્કેલીનો સામનો કરી જીત મેળવવાની આખીય કહાની ખૂબ જ મહત્વના અનુભવથી કમ નથી. ટોપ ઓર્ડરના ફ્લોપ રહેતા મિડલ ઓર્ડરે રમતને સંભાળી લેવાની જવાબદારી નિભાવી હતી.
પ્રથમ વનડેના મહત્વના 5 મુદ્દા
- હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની ગેરહાજરીમાં સફળતા પૂર્વક સંભાળી ટીમની આગેવાની. અગાઉ ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળી ચુકેલ હાર્દિક પંડ્યાને હવે વનડે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં તેણે ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળ્યુ હતુ. હાર્દિકે ટીમ ઈન્ડિયાને કેપ્ટન તરીકેની ડેબ્યૂ મેચમાં જ જીત અપાવી હતી.
- ઓસ્ટ્રેલિયાને ઝડપથી સમેટવામાં ભારતીય ટીમ સફળ રહી હતી. એક તબક્કે મિશેલ માર્શની મોટી ઈનીંગ સાથે ભારત સામે મોટો સ્કોર ઓસ્ટ્રેલિયા ખડકશે એમ લાગી રહ્યુ હતુ. પરંતુ શમી અને સિરાજના હુમલાએ ઓસ્ટ્રેલિયાને ઝડપથી સમેટી લીધુ હતુ. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 188 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ. સ્ટીવ સ્મિથ અને માર્શ વચ્ચે 73 રનની ભાગીદારી નોંધાઈ હતી. માર્શે 81 રનની ઈનીંગ રમી હતી. અંતિમ 59 રનમાં જ ઓસ્ટ્રેલિયાની 7 વિકેટે ભારતીય બોલરોએ ઝડપી હતી.
- ભારતીય ટીમના ઝડપી બોલરો શમી અને સિરાજે કમાલનુ પ્રદર્શન કરતા 3-3 વિકેટ ઝડપી હતી. બંનેએ મહત્વની વિકેટોને સમયે ઝડપી લેવાને લઈ ઓસ્ટ્રેલિયા 200 ના આંકડાને પણ સ્પર્શી શક્યુ નહોતુ. બંનેએ કહેર વર્તાવતા મહત્વના ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો મપાવી દીધો હતો.
- શરુઆત ભારતીય ટીમની પણ બેટિંગ ઈનીંગમાં મુશ્કેલ રહી હતી. આમ છતાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક પણ વાર મચક નહોતી આપી. ભારતે બીજી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશન સસ્તામાં વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગિલની વિકેટો ભારતે ગુમાવી હતી. જોકે આમ છતાં ભારતીય ટીમ લક્ષ્ય તરફ આગળ વધવામાં સફળ રહી હતી.
- મિડલ ઓર્ડરે મહત્વનુ કાર્ય કર્યુ હતુ. ટોપ ઓર્ડર પેવેલિયન પરત પહોંચ્યા બાદ ભારતે દબાણની સ્થિતી અનુભવ્યા વિના જ ધૈર્યતાપૂર્વક ટીમને લક્ષ્ય તરફ આગળ વધારવાનુ કાર્ય કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ કર્યુ હતુ. બંનેએ અતૂટ ભાગીદારી કરી હતી. બંને વચ્ચે 108 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. બંનેએ ટીમને જીત સુધી પહોંચાડી હતી. રાહુલે 75 રનની અને જાડેજાએ 45 રનની ઈનીંગ રમી હતી.