ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી લીધી છે. પુજારાને ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, પુજારાની ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસીએ તેની સાથેના ખેલાડી અને ટેસ્ટ બેટ્સમેન હનુમા વિહારી (Hanuma Vihari) ની ઊંઘ ઉડાડી દીધી હશે. પુજારાની વાપસી બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક ખેલાડીઓને બહારનો રસ્તો જોવો પડી શકે છે. કાઉન્ટી ક્રિકેટમાં રમીને ચેતેશ્વર પુજારાનો આત્મવિશ્વાસ હવે સાતમા આસમાને છે. તેણે પોતાની રમતનો દમ કાઉન્ટી ક્રિકેટમાં બતાવીને સૌનુ ધ્યાન પોતાના તરફ આકર્ષ્યુ હતુ. એ જ પ્રદર્શને તેને ભારતીય ટીમમાં ફરીથી સ્થાન અપાવ્યુ છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ચેતેશ્વર પૂજારાને તક આપવામાં આવી ન હતી. તેના સ્થાને હનુમા વિહારી ત્રીજા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે પુજારાની વાપસી થતાં વિહારીના બેટિંગ ક્રમમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે. જોકે તેને આ બદલાવની ચિંતા નથી. તેણે હિન્દુસ્તાન સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું ખૂબ જ ફ્લેક્સિબિલિટી છું અને કોઈપણ જગ્યાએ રમી શકું છું. હું ઘણી વખત ટોપ ઓર્ડરમાં અને ક્યારેક લોઅર ઓર્ડરમાં પણ બેટિંગ કરવા આવ્યો છું. અંતે તમારે તમારી જાતને ઘડવી પડશે. મારા માટે માત્ર રમતની બાબતો જ મહત્વની છે.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ પુજારાએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમીને સમય પસાર કર્યો હતો.સસેક્સ માટે પૂજારાએ પાંચ મેચની આઠ ઈનિંગમાં 720 રન બનાવ્યા હતા, જેમાં એક બેવડી સદી પણ સામેલ હતી. આવી સ્થિતિમાં, BCCIએ ફરીથી તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને ઇંગ્લેન્ડ સામે ગત વર્ષે રમાયેલી શ્રેણીની છેલ્લી મેચ માટે 17 સભ્યોની ટીમમાં સ્થાન આપ્યું. ચેતેશ્વર પૂજારાએ તેની પસંદગી પર કહ્યું હતુ કે, હું ખૂબ જ ખુશ છું કે મારી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પસંદગી થઈ છે. જાણીને આનંદ થયો કે તાજેતરમાં મારા કાઉન્ટી ક્રિકેટ પ્રદર્શનની નોંધ લેવામાં આવી. કાઉન્ટી મેચ દરમિયાન મેદાન પર સમય વિતાવ્યા બાદ મને સારું લાગે છે.
વિહારી વર્ષ 2020-21 દરમિયાન રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો હીરો હતો. તેણે અશ્વિન સાથે બેટિંગ કરતાં સિડની ટેસ્ટ ડ્રો કરી હતી. આ પછી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે બાકીની મેચ રમી શક્યો નહોતો. હનુમા હવે માત્ર એજબેસ્ટન ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ભારત ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી આગળ છે અને તેની પાસે ઈતિહાસ રચવાની તક છે.