
IND A vs PAK A: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 ટુર્નામેન્ટમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાયેલી મેચ દરમિયાન મેદાન પર એક ચોંકાવનારી ઘટના બની હતી. ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેમના સાથી ખેલાડી વિપ્રજ નિગમ ફિલ્ડિંગ દરમિયાન એકબીજા સાથે જોરદાર રીતે અથડાઈ પડ્યા હતા. આ ટક્કર એટલી ગંભીર હતી કે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ઈજાગ્રસ્ત થતા સહેજમાં બચી ગયા હતા. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને તેઓ થોડા સમય બાદ ફરી મેદાન પર જોવા મળ્યા હતા.
દોહામાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાન Aના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના ઓપનર શામિલ હુસૈન અને માઝ સદાકતે ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમ તરફથી હર્ષિત રાણા બોલિંગ કરી રહ્યા હતા.
પાકિસ્તાનની ઇનિંગ્સની ત્રીજી ઓવરના પાંચમા બોલ પર આ ઘટના બની હતી. હર્ષિત રાણાના બોલ પર માઝ સદાકતે ઓન સાઇડ તરફ શોટ ફટકાર્યો હતો. બોલ સ્ક્વેર લેગની દિશામાંથી પસાર થઈને બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. આ સમયે સ્ક્વેર લેગ અને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ બોલને રોકવા માટે ઝડપથી દોડ્યા હતા.
બાઉન્ડ્રી નજીક પહોંચતા જ વિપ્રજ નિગમે બોલને રોકવા માટે ડાઇવ લગાવી હતી. જોકે, આ દરમિયાન બંને ખેલાડીઓ એકબીજાની દિશામાં આવી ગયા અને વિપ્રજ નિગમનો પગ વૈભવ સૂર્યવંશીના માથા પાસે અથડાયો હતો. જેના કારણે બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મેદાન પર બનેલી આ ઘટનાને જોઈને ભારતીય ટીમના ખેલાડીઓ અને દર્શકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.
ટક્કર બાદ વૈભવ સૂર્યવંશી પીડાને કારણે મેદાન પર બેસી ગયા હતા અને પોતાના ખભા પાસે હાથ રાખીને અસ્વસ્થતા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં તેમની ઈજા ગંભીર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, થોડી જ વારમાં વૈભવ સ્વસ્થ થઈને ફરી ઊભા થયા હતા.
સૌથી રાહતની વાત એ રહી કે વૈભવે પોતાની ફિલ્ડિંગની જવાબદારી ચાલુ રાખી હતી અને તેઓ મેદાન પર સામાન્ય સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે ભારતીય ટીમને મોટો ફટકો પડવાની શક્યતા ઊભી થઈ હતી, પરંતુ સદનસીબે કોઈ ગંભીર દુર્ઘટના બની નહોતી.
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચેનો આ મુકાબલો ક્રિકેટ ચાહકો માટે રોમાંચક રહ્યો હતો, પરંતુ વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે થયેલી આ ટક્કરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
હર્ષિત રાણા અને પાકિસ્તાની બેટ્સમેન વચ્ચે મેદાન પર જોરદાર બોલાચાલી, જુઓ Video