ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) ની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી, એકમાત્ર પિંક બોલ ટેસ્ટ (Pink Ball Test) ચોથા દિવસે ડ્રો પર સમાપ્ત થઈ હતી. ભારતે ચોથા અને અંતિમ દિવસે ચા બાદ બીજા દાવને ત્રણ વિકેટે 135 પર ડિકલેર કર્યો હતો. આ સાથે તેણે 32 ઓવરમાં જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 271 નો ટાર્ગેટ આપ્યો હતો. ડ્રો માટે હાથ મિલાવતા પહેલા ઓસ્ટ્રેલિયન ટીમે 32 રનમાં બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવ 145 ઓવરમાં આઠ વિકેટે 377 રને ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના પ્રથમ દાવમાં 9 વિકેટે 241 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા બોલરોએ ઓસ્ટ્રેલિયા સામે મજબૂત પ્રદર્શન કર્યું હતુ. જેનાથી ભારતને યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ સામે મોટી લીડ મળી હતી. ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પ્રથમ ઇનિંગમાં શાનદાર ટેસ્ટ સદી ફટકારી હતી. મંધાના ડે નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. તેમજ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર તે દેશની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.
મંધાનાએ 216 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 127 રન બનાવ્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 377 રને ઈનિંગ જાહેર કરી હતી. મંધાના ઉપરાંત દીપ્તિ શર્માએ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શેફાલી વર્માએ 31 અને કેપ્ટન મિતાલી રાજે 30 રન બનાવ્યા હતા.
દબાણ હેઠળ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગે રવિવારે ટેસ્ટના ચોથા અને અંતિમ દિવસે નવ વિકેટે 241 રને પોતાની પ્રથમ ઇનિંગ્સ ડિકલેર કરવાનો રસપ્રદ નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય પેસરોએ નવા ગુલાબી બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 143 રનથી રમવાનું શરૂ કર્યું હતું. એલિસ પેરી (અણનમ 68) અને એશ્લે ગાર્ડનર (51) ની 89 રનની ભાગીદારી હતી. ત્યારબાદ ભારતીય ઝડપી બોલરોએ ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇન-અપને વિખેરવાનુ શરૂ કર્યું હતુ. તેમને 208 રન ચાર વિકેટ ના સ્કોર થી 240 રને પહોંચતા સુધીમાં વિકેટનો આંક નવ પર પહોંચાડી દીધો હતો. ભારતીય ટીમને 136 રનની લીડ મળી હતી. ભારતે શનિવારે પોતાનો પહેલો દાવ સાત વિકેટે 377 પર ડિકલેર કર્યો હતો.
અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ત્રીજા દિવસે પ્રથમ બે વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે દીપ્તિ શર્મા અને મેઘના સિંહને બે -બે વિકેટ મળી હતી. દીપ્તિ શર્માએ ગાર્ડનરને પેવેલિયન મોકલી હતી, ત્યારબાદ નવોદિત મેઘના સિંહે તેની આઉટ-સ્વિંગ ડિલિવરીથી બેટ્સમેનોને ફરીથી મુશ્કેલીમાં મૂકી દીધા હતા. 81 મી ઓવરમાં નવો બોલ લીધા બાદ ભારતે ચાર વિકેટ લીધી હતી.
શેફાલી વર્માએ ભારતના બીજા દાવમાં 52 રન બનાવ્યા હતા. મંધાનાએ 30 રન અને પૂનમ રાઉતે અણનમ 41 રન બનાવ્યા હતા. ભારતે પોતાનો બીજો દાવ 135 રનમાં ડિકલેર કર્યો હતો. આ પછી તેણે 32 ઓવરમાં જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 271 નો ટાર્ગેટ આપ્યો હતો. રમત ડ્રો તરફ આગળ વધી રહી હતી. તેથી બંને કેપ્ટનોએ ડ્રો માટે હાથ મિલાવ્યા હતા. ડ્રો પહેલા ઓસ્ટ્રેલિયાએ 32 રનમાં બે વિકેટ ઝડપી હતી.