
IND W vs PAK W, T20 World Cup 2026 : આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપની 10મી સીઝન 12 જૂન 2026થી ઈંગ્લેન્ડ અને વેલ્સની મેજબાનીમાં શરુ થવા જઈ રહી છે. આ ઐતિહાસિક ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સામનો પાકિસ્તાન સામે થશે. બંન્ને દેશો વચ્ચે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચને લઈ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની સાથે બંન્ને ટીમ મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં પોતાના અભિયાનની શરુઆત કરશે.
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેઆ બ્લોકબસ્ટર મેચ રવિવાર 14 જૂન 2026ના રોજ રમાશે. બંન્ને ટીમ બર્મિધમના ઐતિહાસિક એઝબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને-સામને થશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 કલાકે શરુ થશે. તમને જણાવી દઈએ કે, આ વખતે મહિલા ટી20 વર્લ્ડકપ ખુબ ખાસ અને ઐતિહાસિક થવા જઈ રહ્યો છે. કારણ કે,આના ઈતિહાસમાં પહેલી વખત 10ના સ્થાને 12 ટીમ ખિતાબ માટે રમતી જોવા મળશે.
આ 12 ટીમોને 2 અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ એમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન સિવાય મજબુત ઓસ્ટ્રેલિયા,સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપની સ્પર્ધાને જોતા ભારત માટે પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવવી ખુબ જરુરી છે. કારણ કે, દરેક ગ્રુપમાંથી માત્ર 2 ટીમ આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે.
મહિલા ટી20 વર્લ્ડકપના ઈતિહાસની જો વાત કરવામાં આવે તો. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ અત્યારસુધી 8 વખત આમને-સામને આવી ચૂકી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ભારતે 6 વખત પાકિસ્તાનને ઘૂળ ચટાવી છે. તો પાકિસ્તાની ટીમે માત્ર 2 વખત જીત મેળવી છે. આ જૂના આંકડા જોઈ આ વખતે હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.