India Vs West Indies: ભારત સામે વેસ્ટ ઈન્ડિઝે 119 રનનુ લક્ષ્ય રાખ્યુ, દીપ્તિ શર્મા 3 વિકેટ સાથે ખાસ મુકામ પર પહોંચી
T20 World Cup IND Vs WI Match Report: ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં અભિયાનની શરુઆત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

મહિલા T20 વિશ્વકપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગ્રુપ મેચ રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પૂજા વસ્ત્રાકરે ઝડપથી કેરેબિયન કેપ્ટન હેલિ મેથ્યૂઝને પેવેલિયન પરત મોકલી હતી. પરંતુ ત્યાર બાદ ઓપનર સ્ટેફની ટેલર અને શેમૈન કેમ્પબેલે રમતને આગળ વઘારતા મહત્વની ભાગીદારી ઈનીંગ પોતાની ટીમ માટે રમી હતી. ભારતીય બોલરો એક તરફ વિકેટની શોધ કરી રહ્યા હતા, બીજી તરફ બંનેની ભાગીદારી રમત આગળ વઘતી રહી હતી. જોકે ભારતીય બોલરોએ રન પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કર્યો હતો. નિર્ધારીત 20 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે 118 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો.
સ્ટેફની ટેલર અને શૈમેનની ભાગીદારી રમત ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બંન્યો હતો. ભારતીય બોલરોએ બંનેને પેવેલિયન મોકલવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. જોકે રન પર નિયંત્રણ દાખવીને બંનેની વિકેટ મેળવવા માટે દબાણ જાળવવા સતત પ્રયાસ બોલરોએ કર્યો હતો.
દીપ્તિએ રાહત અપાવી
કેરેબિયન ટીમની સુકાની હેલી મેથ્યુઝને માત્ર 2 રનના યોગદાન પર જ પેવેલિયનનો રસ્તો ભારતીય બોલર પૂજા વસ્ત્રાકરે બતાવ્યો હતો. કેરેબિયન ટીમની બેટિંગ ઈનીંગની બીજી ઓવર લઈને પૂજા આવી હતી. તેણે મેચમાં પોતાના પ્રથમ બોલ પર જ હેલીનો શિકાર ઝડપ્યો હતો. હેલીએ 6 બોલનો સામનો કર્યો હતો. તે રિચા ઘોષના હાથમાં કેચ ઝડપાઈ હતી. જોકે ત્યાર બાદ સ્ટેફની ટેલર અને શૈમનની ભાગીદારી રમત આગળ વધવા લાગી હતી. બંનેએ ક્રિઝ પર પગ જમાવી દીધા હતા. ભારતીય બોલરોને વિકેટની શોધ હતી. આ દરમિયાન દીપ્તિ શર્માએ ભારતને રાહત અપાવી હતી.
77 રનના સ્કોર પર દીપ્તિ શર્માએ શૈમન કેમ્પબેલેની વિકેટ ઝડપી હતી. દીપ્તિએ તેને સ્મૃતિ મંધાનાના હાથમાં કેચ ઝડપાવતા તે પરત ફરી હતી. શૈમને 36 બોલમાં 30 રન નોંધાવ્યા હતા. ઓપનર સ્ટેફની ટેલર અર્ધ શતક તરફ આગળ વધી રહી હતી. તેનો અંદાજ પણ આક્રમક બનતો જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપ્તિએ તેને કેમ્પેબેલે બાદ તુરત પોતાનો શિકાર બનાવી હતી. 14મી ઓવરમાં કેમ્પબેલે ત્રીજા બોલ પર વિકેટ ગુમાવ્યા બાદ ઓવરના અંતિમ બોલ પર દીપ્તિએ ટેલરને લેગબિફોર આઉટ કરી હતી. સ્ટેફનીએ 40 બોલમાં 42 રન નોંધાવ્યા હતા.
દીપ્તી શર્માની 100 વિકેટ
સ્મૃતિ મંધાનાએ ચપળતા પૂર્વકની ફિલ્ડીંગ કરતા શેનેલ હેનરીને રન આઉટ કરાવી હતી. આમ 77 થી 79 રન સુધી પહોંચતામાં વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે ઈનીંગની ચોથી વિકેટ ગુમાવી હતી. મંધાના અને રિચા ઘોષે મળીને હેનરીને રન આઉટ કરી પરત મોકલી હતી. તેણે 4 બોલનો સામનો કરીને 2 રન નોંધાવ્યા હતા.
દીપ્તિ શર્માએ પોતાની 100 વિકેટ પુરી કરી હતી. મેચમાં પોતાની ત્રીજી વિકેટ ઝડપતા જ આ મુકામ હાંસલ કર્યુ હતુ. પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર નોંધાઈ હતી કે, જેણે ટી20 ફોર્મેટમાં આ મુકામ પર પહોંચી હતી. દીપ્તિએ 4 ઓવરમાં 15 રન ગુમાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે પોતાની પ્રથમ ઓવર મેડન કરવા સાથે હરીફ ટીમની સુકાનીની વિકેટ ઝડપી હતી. વસ્ત્રાકરે 4 ઓવર કરીને 1 વિકેટ 21 રન ગુમાવીને મેળવી હતી. રેણુંકા સિંહ ઠાકુરે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવર કરીને 30 રન ગુમાવ્યા હતા. રાજેશ્વરની વિકેટ નસીબ થઈ નહોતી.