
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થવાની છે. આ સ્ટેડિયમ પ્રથમ વખત ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું હોવાથી સ્થાનિક ચાહકો ઉત્સાહિત છે. પરંતુ ટેસ્ટ પહેલાંની પરિસ્થિતિ ભારત માટે અનુકૂળ નથી. કોલકાતા ટેસ્ટમાં હાર મળ્યા પછી ટીમ ઈન્ડિયાને શ્રેણી બચાવવા આ મેચ જીતવી ફરજિયાત છે. આ જ સમયે ઈન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને બીજી ટેસ્ટમાં નહીં રમે, આ પરિસ્થિતિએ ટીમ મેનેજમેન્ટને મૂંઝવણમાં મૂકી દીધું છે.
ગિલની ગેરહાજરીએ ટીમમાં ખાલી પડેલી જગ્યાને લઈને ત્રણ નામ સામે આવે છે – સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી. જો કે, આમાંથી કોઈપણ વિકલ્પ સંપૂર્ણ વિશ્વાસપૂર્ણ નથી. સુદર્શન અને પડિકલ બંને ડાબા હાથના બેટ્સમેન છે. જો તેમની પસંદગી થાય તો ભારતીય બેટિંગ લાઈનઅપમાં ટોચના આઠમાંથી છ બેટ્સમેન ડાબા હાથના બની જશે. એવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના ઓફ-સ્પિનર સિમોન હાર્મર અને એડન માર્કરામને વધુ મદદ મળશે, જેઓ કોલકાતા ટેસ્ટમાં ભારતને ભારે પડ્યા હતા.
રેડ્ડી એક સારો વિકલ્પ છે, પરંતુ તેની પણ સમસ્યા છે. જમણા હાથના બેટ્સમેન હોવાને કારણે બેટિંગ લાઈનઅપનું સંતુલન થોડું સુધરી શકે છે, પરંતુ રેડ્ડી તાજેતરમાં ફોર્મમાં નથી. ઈંગ્લેન્ડ પ્રવાસ પછીથી તે સતત સંઘર્ષ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે એક જ ઈનિંગમાં 43 રન બાદ, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તે વનડેમાં નિષ્ફળ રહ્યો અને પછી ઈજાના કારણે T20 સિરીઝમાંથી બહાર થયો. તાજેતરમાં ઈન્ડિયા A માટે પણ તેઓ ફક્ત 37 રન જ બનાવી શક્યો હતો.
આ પરિસ્થિતિએ ટીમ ઈન્ડિયા “આગે કુઆ, પીછે ખાઈ” જેવી સ્થિતિમાં આવી ગઈ છે. એક તરફ અનુભવ ધરાવતા પરંતુ ફોર્મની બહાર ખેલાડીઓ, તો બીજી તરફ યુવા પરંતુ ડાબા હાથના વિકલ્પો, જેમની સામે દક્ષિણ આફ્રિકાના ઓફ-સ્પિનરોને લાભ મળશે. ગૌતમ ગંભીર માટે આ નિર્ણયો લેવો વધુ કઠિન છે કારણ કે ગુવાહાટીની પિચ પણ કોલકાતાની જેમ સ્પિનરને મદદરૂપ થાય તો ટીમ ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે, સ્પષ્ટ છે કે ગુવાહાટી ટેસ્ટ માત્ર શ્રેણી માટે જ નહીં, પરંતુ ટીમ કોમ્બિનેશન માટે પણ એક મોટી પરીક્ષા સમાન છે. હવે જોવાનું રહેશે કે ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ કઈ દિશામાં નિર્ણય લે છે અને શું ભારત આ મેદાન પર જીત સાથે આગળ વધે છે કે ફરી મુશ્કેલીમાં ફસાઈ છે.
આ પણ વાંચો: IND vs SA : જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થશે બહાર, આ સ્ટાર ખેલાડીને આપવામાં આવશે આરામ