ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ, તેના છેલ્લા દિવસે નિર્ણાયક સ્થિતીએ પહોંચી ગઈ છે. પ્રથમ દિવસ પછી, માત્ર ચોથા દિવસે વરસાદ વિના આખી રમત રમી શકાઇ હતી. બંને ટીમો તરફથી શાનદાર પ્રદર્શન થયું છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Joe Root) જબરદસ્ત સદી ફટકારી હતી. રુટે ટીમને મુશ્કેલીમાં ડુબતી બચાવી સ્કોર 303 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતના બોલરોએ પણ થોડી વધારે મહેનત કરવી પડી હતી. પરંતુ ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડનો મોટો સ્કોર થવા દીધો નહોતો. ખાસ કરીને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ટીમ માટે સૌથી સફળ રહ્યો હતો, તેણે 5 વિકેટ લીધી હતી. પરંતુ આ મેચમાં કંઈક એવું થયું, જે ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં આ પહેલા માત્ર એક જ વાર બન્યું હતું. 2018 ની જોહાનિસબર્ગ ટેસ્ટમાં.
આ ટેસ્ટમાં 4 પેસર અને એક સ્પિનર સાથે ઉતરેલી ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરી દીધું હતું. એટલે કે, સંપૂર્ણ 20 વિકેટ મેળવી. ખાસ વાત એ છે કે, પેસર બોલરોએ આ 20 વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં જસપ્રિત બુમરાહે 4, મોહમ્મદ શમીએ 3, શાર્દુલ ઠાકુરે 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ મેળવી હતી. બીજા દાવમાં બુમરાહે 5, સિરાજ અને શાર્દુલે 2-2 અને શમીએ 1 વિકેટ લીધી હતી. અગાઉ, ભારતે તેના ટેસ્ટ ઇતિહાસમાં માત્ર એક જ વાર આ પ્રકારનુ પરાક્રમ કર્યું હતું.
2018 માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગ ટેસ્ટ રમાઇ હતી. જેમાં ભારત તરફ થી બંને ઇનીંગમાં 10-10 વિકેટ ઝડપી બોલરોએ હાંસલ કરી હતી. ત્યારે પ્રથમ ઇનીંગમાં જસપ્રિત બુમરાહે 5 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમીએ બીજા દાવમાં 5 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ટીમનો હિસ્સો હતા, તેઓને પણ વિકેટની સફળતા મળી હતી.
તે મેચની જેમ બુમરાહે પણ આ વખતે એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું શાનદાર કમાલ કર્યો હતો. આ વખતે નોટિંગહામમાં પણ ભારતીય ઝડપી બોલરોએ પોતાનુ પ્રદર્શન બતાવ્યું હતુ. બુમરાહે આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. જોહાનિસબર્ગમાં ભારતીય ઝડપી બોલરોની આ સિદ્ધિએ ટીમને 63 રનથી યાદગાર વિજય અપાવ્યો હતો. આવામાં નોટિંગહામમાં ઝડપી બોલરોનું પ્રદર્શન અને ખાસ કરીને બુમરાહની પાંચ વિકેટના કમાલના પુનરાવર્તન, બાદ ભારતીય ટીમની જીતની આશાઓ વધી છે. ટીમે બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા છે. ભારતને અંતિમ દિવસે જીત માટે 157 રનની જરૂર છે.