IND vs ENG : પિચ ક્યુરેટર સાથે ગૌતમ ગંભીરના ઝઘડા પર શુભમન ગિલે આપ્યો યોગ્ય જવાબ

29 જુલાઈના રોજ લંડનના ઓવલ સ્ટેડિયમમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી હતી. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પણ આ વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે.

IND vs ENG : પિચ ક્યુરેટર સાથે ગૌતમ ગંભીરના ઝઘડા પર શુભમન ગિલે આપ્યો યોગ્ય જવાબ
shubman gill & gautam gambhir
Image Credit source: PTI
| Updated on: Jul 30, 2025 | 8:40 PM

ગુરુવારથી લંડનના ઓવલ ખાતે શરૂ થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ પહેલા પીચ વિવાદ વધુ વકર્યો છે. 29 જુલાઈના રોજ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલના મુખ્ય ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે થયેલી ઉગ્ર દલીલ બાદ, હવે ભારતીય બેટ્સમેન શુભમન ગિલે આ મામલે યોગ્ય જવાબ આપ્યો છે. ગંભીર અને ફોર્ટિસ વચ્ચેનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ક્યુરેટરે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફને પિચથી 2.5 મીટર દૂર રહેવા કહ્યું. ગંભીરે આનો સખત વિરોધ કર્યો હતો.

પિચ વિવાદ પર ગિલનો જવાબ

પાંચમી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે આ વિવાદ પર પોતાનો મુદ્દો રજૂ કર્યો. તેણે કહ્યું કે ભારતીય ટીમને ક્યારેય પિચથી 2.5 મીટરનું અંતર જાળવવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો. ગિલે પ્રશ્ન ઉઠાવતા કહ્યું, “મને ખબર નથી કે ગઈકાલે આ હોબાળો શા માટે હતો. અમે આટલા લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે રબરના સ્પાઈક્સ અથવા ખુલ્લા પગે પિચ જોઈ શકીએ છીએ. મને સમજાતું નથી કે ક્યુરેટરે અમને આવું કરવાથી કેમ રોક્યા.’ ગિલના આ નિવેદનથી ક્યુરેટરના વલણ પર સવાલ ઉભા થયા છે.

 

પ્રેક્ટિસ સેશન દરમિયાન ભેદભાવ!

આ વિવાદ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડીઓ પિચ પર પ્રેક્ટિસ કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ભારતીય ટીમના ખેલાડીઓને પિચની નજીક જવાથી રોકવામાં આવ્યા હતા, જ્યારે યજમાન ટીમના ખેલાડીઓ ત્યાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, ઈંગ્લેન્ડનો મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ પિચને ખૂબ નજીકથી જોતા જોવા મળ્યો હતો. બ્રેન્ડન મેક્કુલમને પિચની નજીક જતા અટકાવવામાં આવ્યો ન હતો, જેના કારણે વધુ પ્રશ્નો ઉભા થયા હતા.

ઈંગ્લેન્ડે ગ્રીન પિચ તૈયાર કરી

ઓવલની પિચ હંમેશા ઝડપી બોલરો માટે મદદરૂપ થાય છે. અહીં ઉછાળ સારો હોય છે, આ વખતે પણ ટીમ ઈન્ડિયાને આવી જ પિચ મળવાની છે. ઈંગ્લેન્ડે આ મેચ માટે ગ્રીન પિચ તૈયાર કરી છે. જેના કારણે તેણે પોતાના પ્લેઈંગ 11 માં કોઈ સ્પિનરને સામેલ કર્યો નથી. ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટોંગ જેવા ઝડપી બોલરો આ મેચ રમવાના છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી સરળ રહેશે નહીં.

આ પણ વાંચો: Breaking News : ભારત WCL 2025માંથી બહાર, પાકિસ્તાને ફાઈનલમાં મેળવ્યું સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો