IND vs ENG : રિષભ પંતે લીડ્સમાં ‘યોગ દિવસ’ ઉજવ્યો ! સદી બાદ સેલિબ્રેશનના સચિન-સેહવાગ થયા ફેન

લીડ્સ ટેસ્ટના બીજા દિવસે રિષભ પંતે શાનદાર સદી ફટકારી. મેચના પહેલા દિવસે સાવધાનીપૂર્વક બેટિંગ કરનાર પંતે બીજા દિવસે પોતાની શૈલીમાં બેટિંગ કરી અને એ જ વિચિત્ર શોટ માર્યા જેના માટે તે ફેમસ છે. આ સિવાય સદી ફટકાર્યા બાદ તેણે જે રીતે સેલિબ્રેટ કર્યું તે મજેદાર હતું. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે રિષભના સેલિબ્રેશનના વખાણ કર્યા હતા.

IND vs ENG : રિષભ પંતે લીડ્સમાં યોગ દિવસ ઉજવ્યો ! સદી બાદ સેલિબ્રેશનના સચિન-સેહવાગ થયા ફેન
Rishabh Pant
Image Credit source: Getty Images
| Updated on: Jun 21, 2025 | 8:34 PM

ટેસ્ટ ક્રિકેટ અને રિષભ પંતની બેટિંગ. છેલ્લા કેટલાક વર્ષોથી, આ કોમ્બિનેશને વિશ્વ ક્રિકેટમાં ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું છે. રિષભ પંતે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. એક હાથે સિક્સર મારવી અને સ્કૂપ કે સ્વીપ રમતી વખતે પિચ પર પડવા જેવા તેના વિચિત્ર શોટ્સે દરેકને તેના ચાહક બનાવી દીધા છે. પરંતુ હવે ફક્ત બેટિંગથી જ નહીં, પણ તેની ઉજવણીથી પણ પંતે મોજ કરાવી દીધી હતી. લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારીને પંતે એવી રીતે સેલિબ્રેટ કર્યું કે વીરેન્દ્ર સેહવાગે તેને યોગ દિવસની ઉજવણી ગણાવી દીધી.

રિષભ પંતની મજેદાર ઈનિંગ

શુક્રવાર, 20 જૂનથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની આ પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પોતાનો જલવો બતાવ્યો. પહેલા દિવસે કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી, જ્યારે બીજા દિવસે રિષભ પંતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. પહેલા દિવસે ખૂબ જ સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહેલા પંતે બીજા દિવસે આક્રમક વલણ દર્શાવ્યું. પંતે આગળ વધીને સ્પિનરને સિક્સર ફટકારી, જ્યારે ઘણી વખત તે સ્લોગ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે પિચ પર પડી જતો પણ જોવા મળ્યો હતો.

 

સદી બાદ પંતે કરી ઉજવણી

બીજા દિવસના પહેલા સત્ર દરમિયાન, તે ક્ષણ ફરી આવી જ્યારે પંતે પોતાની સદી પૂર્ણ કરી. પંત સ્પિનર ​​શોએબ બશીરના બોલ પર આગળ વધ્યો અને ‘એક હાથે’ લાંબો શોટ માર્યો. તે સમયે તે 99 રન પર હતો. બોલ બૂંદરી પાર થતાં જ પંતે તેનું હેલ્મેટ ઉતારીને બેટ સાથે જમીન પર મૂકી દીધું. પછી તરત જ પંતે બે હાથે ગુલાટી મારી એક્રોબેટિક્સ બતાવ્યું અને સદીની ઉજવણી કરી. જો પંતની સદી મજાની હતી, તો તેની ઉજવણી વધુ મનોરંજક હતી.

 

સચિન પંતની ઉજવણીથી પ્રભાવિત થયો

આ બીજીવાર હતું જ્યારે પંતે આ રીતે સદીની ઉજવણી કરી હતી. અગાઉ, જ્યારે તેણે IPL 2025માં સદી ફટકારી હતી, ત્યારે તેણે પહેલીવાર આ રીતે ઉજવણી કરી હતી. પંતની ઉજવણીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. પંતની સદીની પ્રશંસા કરતા તેંડુલકરે લખ્યું, “પંતની ઉજવણી તેની બેટિંગ જેટલી જ મનોરંજક છે. શાબાશ રિષભ.”

 

પંતની ઉજવણીને સેહવાગે ‘યોગ ડે’ સાથે જોડ્યો

સેહવાગે પોતાની શૈલીમાં પંતની ઉજવણીના વખાણ કર્યા. સેહવાગે તેને આંતરરાષ્ટ્રીય યોગ ડે સાથે જોડ્યો, જે 21 જૂન, શનિવારના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. યોગાનુયોગ, તે જ દિવસે પંતે સદી પણ ફટકારી. એક મજેદાર ફોટો અને મેસેજ સ્ટોરીમાં શેર કરી સેહવાગે મહેફિલ લૂંટી લીધી હતી.

આ પણ વાંચો: IND vs ENG : રિષભ પંતે બદલી નાખ્યો 148 વર્ષનો ટેસ્ટ ઈતિહાસ, લીડ્સમાં તોડયા મોટા રેકોર્ડ્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો