લાંબા વિરામ બાદ ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈ ટેસ્ટ કંઈ ખાસ ન રહી. પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં પણ તે લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. પરંતુ બીજી ઈનિંગમાં વિરાટ કોહલી તરફથી મોટી ભૂલ જોવા મળી હતી. આ ઈનિંગમાં આઉટ ન હોવા છતાં તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કોહલીએ એવી ભૂલ કરી છે જે તેના તરફથી ભાગ્યે જ જોવા મળે છે. તેની ભૂલ જોઈને કેપ્ટનથી લઈને ખેલાડીઓ સુધી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી માત્ર 6 રન બનાવી શક્યો હતો. તે બીજા દાવમાં સારા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ તેણે 37 બોલમાં 17 રન બનાવ્યા બાદ તેની વિકેટ ગુમાવી દીધી હતી. વાસ્તવમાં તે મેહદી હસનના બોલ પર LBW આઉટ થયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે તે LBW આઉટ ન હતો, અને તેની પાસે રિવ્યુ લેવાનો મોકો હતો છતાં તેણે DRS લીધું નહીં. આ પછી જ્યારે તેની વિકેટનો રિપ્લે બતાવવામાં આવ્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
વિરાટ કોહલી LBW આઉટ ન હતો, કારણ કે બોલ તેના બેટ સાથે અથડાયા બાદ પેડ સાથે અથડાયો હતો. પરંતુ વિરાટ કોહલીને ખ્યાલ ન હતો કે બોલ તેના બેટ સાથે અથડાયો હતો. અમ્પાયરે આઉટ આપ્યા બાદ, તેણે સાથી ખેલાડી શુભમન ગિલ સાથે વાત કરી, અને પછી તે DRS લીધા વિના પેવેલિયન પરત ફર્યો. રિપ્લે બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં વિરાટ અને ગિલના આ નિર્ણયથી ગુસ્સામાં જોવા મળ્યો હતો.
ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની ઈનિંગને 339 રન સુધી લંબાવી હતી. ટીમ ઈન્ડિયાના હાથમાં 4 વિકેટ હતી, પરંતુ 376 રન સુધી પહોંચતા તમામ વિકેટ ગુમાવી દીધી. આ પછી ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી અને બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટી દીધો. બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી. જ્યારે સિરાજ, જાડેજા અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 3 વિકેટના નુકસાન પર 81 રન બનાવી લીધા હતા અને લીડ વધારીને 308 રન કરી લીધી હતી. હવે રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની નજર મોટા સ્કોર પર રહેશે.
આ પણ વાંચો: IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન તેંડુલકર બાદ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો