
ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી 2023ના વનડે વર્લ્ડકપ ફાઈનલનો હારનો બદલો લીધો છે.આ જીત સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે દુબઈમાં ફાઈનલ રમાશે. ટીમ ઈન્ડિયાની જીત બાદ ભારતીય ખેલાડીઓના ચેહરા પર ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ સહિત તમામ ખેલાડીઓ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. બીસીસીઆઈએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
જેમાં મેચની જીત બાદ ખેલાડી અને ડ્રેસિંગ રુમમાં કેવો માહોલ હતો તે સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં રોહિત-કોહલી અને હાર્દિંક પંડ્યા ગળે મળી ધમાલ મચાવી રહ્યા છે. તો સ્ટેડિયમમાં હજારો ચાહકો વંદેમાતરમ ગીત ગાઇ રહ્યા હતા.
બીસીસીઆઈએ બીજો એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાહુલની વિનિંગ સિક્સ પરની પ્રતિક્રિયા દર્શાવવામાં આવી છે. તેનો શોટ જોઇ ભારતીય ખેલાડીઓ અને સ્ટેડિયમમાં હાજર ચાહકોને ખુશીથી નાચી ઉઠે છે. રાહુલ પણ બેટથી ફ્લાઈંગ કિસ આપે છે અને જાડેજાને ગળે લગાવે છે. કોહલી, રોહિત અને હાર્દિકે પણ તેમને અભિનંદન પાઠવ્યા. રાહુલ 2023ના ODI વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયેલી ટીમનો પણ ભાગ હતો અને આ જીતથી તેને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્ટીવ સ્મિથ (73) અને એલેક્સ કેરી (61) ની અડધી સદીની મદદથી 264 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે 11 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ મેળવી લીધો હતો ‘પ્લેયર ઓફ ધ મેચ’ કોહલીએ 98 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા.
આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ ઈન્ડિયાની જીતના સ્ટાર્સ મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા.