IND vs AUS: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી પહેલી મેચમાંથી થયો બહાર? કેનબેરા T20I પહેલા ખરાબ સમાચાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જો કે આ શ્રેણી શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર કેનબેરા T20 માંથી લગભગ બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી હારી ગયેલી ટીમ ઈન્ડિયા પાસે હવે T20I માં પોતાની તાકાત બતાવવાની તક છે. આ શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જોકે, શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે ભારતીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી શ્રેણીની પહેલી મેચમાં રમશે તેવી શક્યતા ઓછી છે. નીતિશ રેડ્ડીને બીજી ODI દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયો હતો. હવે, તે પહેલી T20I પણ ગુમાવશે તે લગભગ નક્કી છે.
નીતિશ રેડ્ડી પહેલી મેચ રમી શકશે નહીં!
સોમવારે ભારતીય ટીમે કેનબેરામાં પ્રેક્ટિસ કરી હતી. ભારે વરસાદને કારણે પ્રેક્ટિસ સેશન ફક્ત એક કલાક ચાલ્યું. નીતિશ રેડ્ડી પણ હાજર હતો, જોકે તે સંપૂર્ણપણે ફિટ દેખાતો ન હતો. ત્યાં હાજર સ્પોર્ટ્સ પત્રકારોનો દાવો છે કે આ ખેલાડી પહેલી મેચ રમી શકશે નહીં. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે તેમની પાસે શિવમ દુબેના રૂપમાં એક સારો મીડીયમ પેસરનો ઓલરાઉન્ડર છે, જેણે એશિયા કપમાં પોતાના ઉત્તમ પ્રદર્શનથી ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભારતની ટીમ T20માં ખૂબ જ મજબૂત
જ્યારે T20 ક્રિકેટની વાત આવે છે, ત્યારે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત છે. ટીમમાં અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ અને શુભમન ગિલ જેવા બેટ્સમેન છે. બોલિંગ યુનિટમાં અર્શદીપ, બુમરાહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયા પાસે વિસ્ફોટક ખેલાડીઓની ફોજ
ઓસ્ટ્રેલિયા પાસે પણ વિસ્ફોટક ખેલાડીઓની કોઈ કમી નથી. ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ અને માર્કસ સ્ટોઈનિસ ટીમમાં છે. બોલિંગ યુનિટમાં હેઝલવુડ, નાથન એલિસ અને કુહનેમેન જેવા દમદાર ખેલાડીઓ છે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીનું શેડ્યુલ
- પહેલી T20I, 29 ઓક્ટોબર, કેનબેરા
- બીજી T20I, 31 ઓક્ટોબર, મેલબોર્ન
- ત્રીજી T20I, 2 નવેમ્બર, હોબાર્ટ
- ચોથી T20I, 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
- પાંચમી T20I, 8 નવેમ્બર, બ્રિસ્બેન
આ પણ વાંચો: Shreyas Iyer Injury: શ્રેયસ અય્યરની ઈજા અંગે આવી મોટી અપડેટ, હોસ્પિટલે ભર્યું આ પગલું
