ભીના ક્રિકેટ ગ્રાઉન્ડને સુકવવા માટે ટાંચા સાધનો, સોશિયલ મીડિયામાં ઉડાવાઈ રહી છે BCCI ની ભારે મજાક

|

Sep 29, 2024 | 7:41 PM

કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું પરંતુ તેમ છતાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મતલબ કે વરસાદ ના હોવા છતાં ભીના ગ્રાઉન્ડને બે દિવસ સુધી સુકવી શકાયુ નહોતું. આ ઘટનાને લઈને ક્રિકેટ પ્રેમી સોશિયલ મીડિયામાં BCCIની ભારે મજાક ઉડાવી રહ્યાં છે.

ભીના ક્રિકેટ ગ્રાઉન્ડને સુકવવા માટે ટાંચા સાધનો, સોશિયલ મીડિયામાં ઉડાવાઈ રહી છે BCCI ની ભારે મજાક
Image Credit source: PTI

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટ મેચના બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંક્યા વિના રદ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની જ રમત રમી શકાઈ હતી. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની ખરાબ હાલતને કારણે પહેલા દિવસે વરસાદના કારણે ભીનું થયેલું મેદાન બે દિવસમાં પણ મેચ રમવા લાયક સુકુ થઈ શક્યું નહોતુ, જેના કારણે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાતા BCCIની સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડાડવામાં આવી રહી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે, 28 સપ્ટેમ્બરે IPL 2025 સીઝન માટે યોજાનારી મેગા હરાજી માટે રીટેન્શન પોલિસી સહિત ઘણા નવા નિયમોની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પછી, રવિવાર, 29 સપ્ટેમ્બરના રોજ, BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને ટ્રેઝરર આશિષ શેલારે બોર્ડના નવા સેન્ટર ઑફ એક્સેલન્સ એટલે કે બેંગલુરુ નજીક નવી નેશનલ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું.

આ બે હાઈ-પ્રોફાઈલ અને મહત્વની ઘટનાઓ વચ્ચે, જે બોર્ડની મજબૂતાઈ અને તેની મજબૂત છબી રજૂ કરે છે, પરંતુ કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ બોર્ડ માટે શરમનું કારણ બની ગઈ છે અને તેને ચાહકોની ટીકા સાંભળવી પડી છે.

સતત બીજો દિવસ ધોવાઈ ગયો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવ્યો હતો. અગાઉ, બીજા દિવસે પણ એક પણ બોલની રમત થઈ શકી ન હતી, જ્યારે મેચના પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની જ રમત શક્ય બની હતી. પહેલા દિવસે વરસાદે મેચ અટકાવી દીધી હતી પરંતુ ગ્રીન પાર્ક સ્ટેડિયમની વર્ષો જૂની જર્જરિત વ્યવસ્થાને કારણે બીજો અને ત્રીજો દિવસ એમ બે દિવસ મેચ રમી શકાઈ ન હતી. મળતી માહિતી મુજબ, બીજા દિવસે માંડ થોડી મિનિટોના હળવા વરસાદે કાનપુર મેદાનને વધુ ખરાબ કરી નાખ્યું હતું.


મેચના ત્રીજા દિવસે એટલે કે આજે રવિવારે જ્યારે BCCIના અધિકારીઓ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે ગ્રીન પાર્ક સ્ટેડિયમના અમ્પાયર આજના દિવસની રમતને રદ કરવાની જાહેરાત કરી રહ્યા હતા. જ્યારે ત્રીજા દિવસે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું પરંતુ તેમ છતાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મતલબ કે વરસાદ ન હોવા છતાં ભીના ગ્રાઉન્ડને બે દિવસ સુધી સુકવી શકાયુ નહોતું. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના નેજા હેઠળ, ભીનુ મેદાન સુકવી શકે તેવી વ્યવસ્થાના અભાવ હોવાથી વધુ શરમજનક શું હોઈ શકે.

Next Article