17 વર્ષની બોલરે 3 ઓવરમાં 7 બેટ્સમેનનો કર્યો શિકાર, વર્લ્ડ રેકોર્ડ તૂટવાથી સહેજ માટે રહી ગયો
અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયરની મેચમાં યુગાન્ડાની બોલર લોર્ના ઈનાયતે માત્ર 6 રન આપી 7 વિકેટ ઝડપી તબાહી મચાવી હતી. તેના આ જોરદાર પ્રદર્શનને કારણે યુગાન્ડાની ટીમે 9 વિકેટે મેચ જીતી લીધી હતી. જોકે તે મોટો રેકોર્ડ તોડવાથી સહેજ માટે રહી ગઈ હતી.
ICC અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયર મેચો હાલમાં રવાંડામાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો રમી રહી છે. ગ્રુપ Aમાં કેન્યા, નામિબિયા, રવાન્ડા અને યુગાન્ડાનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ Bમાં માલાવી, નાઈજીરીયા, તાન્ઝાનિયા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન યુગાન્ડાની બોલર લોર્ના ઈનાયતે શાનદાર બોલિંગ કરી કેન્યાની ટીમ ટીમને જીત અપાવી હતી.
કેન્યાની ટીમ લોર્ના ઈનાયત સામે ધ્વસ્ત
યુગાન્ડા અને કેન્યા વચ્ચે રમાયેલી આ મેચમાં યુગાન્ડાની ટીમનો 9 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં યુગાન્ડાની ટીમની જીતની હીરો લોર્ના ઈનાયત રહી હતી. લોર્ના ઈનાયતે મેચમાં માત્ર 3 ઓવર નાંખી અને 7 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. ખાસ વાત એ હતી કે આ દરમિયાન તેણે માત્ર 6 રન જ ખર્ચ્યા અને 1 મેડન ઓવર પણ નાખી. આ સિવાય તેણે કુલ 15 ડોટ બોલ ફેંક્યા. લોર્ના ઈનાયતના આ પ્રદર્શનને કારણે કેન્યાની ટીમ 13.5 ઓવરમાં 37 રન બનાવીને પડી ભાંગી હતી.
લોર્ના ઈનાયતની જાદુઈ બોલિંગ
આ મેચમાં કેન્યાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન કેન્યાએ 18 રનના સ્કોર પર માત્ર 1 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી લોર્ના ઈનાયતની જાદુઈ બોલિંગ જોવા મળી, જેના કારણે આખી ટીમ 37 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પછી યુગાન્ડા તરફથી પણ શાનદાર બેટિંગ જોવા મળી હતી. ટીમે 38 રનનો ટાર્ગેટ 8.1 ઓવરમાં 1 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં યુગાન્ડાનો આ સતત બીજો વિજય છે.
Lorna Anyait achieved career-best bowling figures as she took 7 wickets for just 6 runs against Kenya at IPRC Oval in Uganda’s second game at #U19AWWCQualifiers #Cheer4BabyVictoriaPearls pic.twitter.com/bbLcbyJMH9
— Uganda Cricket Association (@CricketUganda) September 23, 2024
કોણ છે લોર્ના ઈનાયત?
લોર્ના ઈનાયત સ્પિન બોલર છે અને તે હાલમાં માત્ર 17 વર્ષની છે. તે યુગાન્ડાની સિનિયર ટીમની પણ એક ભાગ છે. અત્યાર સુધીમાં તે યુગાન્ડાની ટીમ માટે 23 T20 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન લોર્ના ઈનાયતે કુલ 15 વિકેટ લીધી છે અને 30 રન બનાવ્યા છે. લોર્ના ભલે 6 રન આપીને 7 વિકેટ લઈને ચર્ચામાં આવી ગઈ હોય, પરંતુ તે અંડર-19 ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકી નથી. અંડર-19માં સર્વશ્રેષ્ઠ સ્પેલનો રેકોર્ડ કેન્યાની મેલ્વિન ખાગોઈત્સાના નામે છે. તેણે ઈસ્વાતિની સામેની T20 મેચમાં 3 રન આપીને 7 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ભિવંડીમાં કપડાની દુકાન ચલાવતા આ ક્રિકેટરે તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો