
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 વર્લ્ડ કપના હાઈ-વોલ્ટેજ ડ્રામામાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોક અને રાયન રિકેલ્ટનની તોફાની અડધી સદીની મદદથી સ્કોરબોર્ડ પર એક મોટો ટાર્ગેટ સેટ કર્યો હતો.
રિકેલ્ટને 23 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી હતી, જ્યારે ડી કોકે 34 બોલમાં ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંને વચ્ચે 114 રનની શાનદાર ભાગીદારી થઈ હતી, જેણે ટીમની સ્થિતિ મજબૂત કરી દીધી હતી. જો કે, રાશિદ ખાને પોતાની ફિરકીમાં પ્રોટીઝ બેટર્સને ફસાવીને રન ગતિ પર અંકુશ મેળવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. અફઘાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ મિડલ અને અંતિમ ઓવરોમાં 3 મહત્વની વિકેટો ઝડપી હતી.
188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમ વતી રહેમાનુલ્લા ગુરબાઝે માત્ર 42 બોલમાં 84 રનની તોફાની ઇનિંગ રમીને સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકોનું ધ્યાન ખેંચી લીધું હતું. મેચના અંતિમ તબક્કે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોએ સચોટ યોર્કર અને સ્લોઅર બોલનો ઉપયોગ કરીને અફઘાન બેટર્સ પર દબાણ બનાવ્યું હતું.
મધ્યક્રમમાં લુંગી એન્ગીડીની બોલિંગ (3 વિકેટ) અને અંતિમ ઓવરોમાં રન આઉટના કારણે મેચ પલટાઈ ગઈ હતી. અંતિમ ક્ષણોમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 187 રન પર ઓલ આઉટ થઈ ગઈ, જેના પરિણામે આ મેચ અત્યંત નાટકીય રીતે ટાઈમાં પરિણમી હતી.
સુપર ઓવરમાં અફઘાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈ (Azmatullah Omarzai) એ જે રીતે બેટિંગ કરી, તેણે આખી મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. અફઘાનિસ્તાને લુંગી એનગીડી (Lungi Ngidi) ની આ ઓવરમાં કુલ 17 રન ફટકારીને આફ્રિકન ટીમ પર ભારે દબાણ લાવી દીધું હતું. હવે આના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પણ ફઝલહક ફારૂકી સામે 17 રન બનાવી મેચ ટાઈ કરી હતી, જેમાં ટ્રિસ્ટન સ્ટબ્સે 3 બોલમાં 10 રનનું યોગદાન આપ્યું હતું.
બીજી સુપર ઓવરનો રોમાંચ ચરમસીમાએ જોવા મળ્યો, જેમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 23 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ડેવિડ મિલરે માત્ર 4 બોલમાં 400ના સ્ટ્રાઈક રેટથી બે છગ્ગાની મદદથી 16 રન ફટકાર્યા, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 2 બોલમાં 7 રનનું મહત્વનું યોગદાન આપ્યું. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ આ ઓવર નાખી હતી, જેમાં તેણે 23 રન આપ્યા હતા.
24 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 19 રન બનાવી શકી અને પોતાની બંને વિકેટ ગુમાવી દીધી. રહેમાનુલ્લા ગુરબાઝે 4 બોલમાં 3 છગ્ગા સાથે 18 રન બનાવીને પૂરી કોશિશ કરી પરંતુ કેશવ મહારાજે ઘાતક બોલિંગ કરતા મોહમ્મદ નબી અને ગુરબાઝ બંનેને પેવેલિયન ભેગા કર્યા હતા. અંતે દક્ષિણ આફ્રિકાએ આ રોમાંચક જંગમાં બાજી મારી લીધી.
Published On - 3:05 pm, Wed, 11 February 26