
15 ફેબ્રુઆરીએ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની દબદબાભરી હાજરી નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું અને મેચમાં શરૂઆતથી જ પકડ મજબૂત રાખી.
મેચ પૂર્ણ થયા બાદ ટીમ સોમવારે સ્વદેશ પરત ફરી અને કોલંબોથી સીધી અમદાવાદ પહોંચી. અમદાવાદ એરપોર્ટ પર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને જોવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સોશિયલ મીડિયા પર ટીમના આગમનના વીડિયો પણ વાયરલ થયા, જેમાં મોટા ભાગના ખેલાડીઓ જોવા મળ્યા હતા.
હવે ભારતનો આગળનો અને લીગ તબક્કાનો અંતિમ મુકાબલો 18 ફેબ્રુઆરી, બુધવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નેધરલેન્ડ સામે રમાશે. આ મેચ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે સુપર-8 પહેલા ટીમ પોતાની જીતની લય જાળવી રાખવા ઈચ્છશે. હોમ ગ્રાઉન્ડ પર રમાતી આ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહે તેવી સંભાવના છે.
#WATCH | Gujarat: Members of the Indian Cricket Team arrive at Ahmedabad Airport.
The Men in Blue defeated Pakistan by 61 runs in an #ICCT20WorldCup2026 match yesterday at R. Premadasa Stadium, Colombo. pic.twitter.com/5a9H4Lu3dV
— ANI (@ANI) February 16, 2026
ભારતે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં યુએસએને 29 રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં નામિબિયા સામે 93 રનથી ભવ્ય જીત મેળવી હતી. પાકિસ્તાન સામેની જીત સાથે ટીમે જીતની હેટ્રિક પૂર્ણ કરી અને ગ્રુપ A માંથી સુપર-8 માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની હતી.
ઉલ્લેખનીય છે કે અન્ય ગ્રુપમાંથી પણ ટીમો સુપર-8માં પ્રવેશ મેળવી રહી છે. ગ્રુપ C માંથી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ તથા ગ્રુપ D માંથી દક્ષિણ આફ્રિકાએ આગળનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે નજર ભારતના આગામી મુકાબલા પર રહેશે, જ્યાંથી ટીમ સુપર-8 માટે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રયત્ન કરશે.