
ભારત અને દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 માં આજે સાંજે 7 કલાકથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ હાઇ-વોલ્ટેજ મેચમાં બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. આ મેચનું પરિણામ સેમિફાઇનલનો માર્ગ નક્કી કરશે, પરંતુ અમદાવાદની પિચ અને ટોસ પણ ખૂબ મહત્વના સાબિત થવાના છે. ક્રિક ઈન્ફોના અહેવાલ અનુસાર, ભારત અને દક્ષિણ આફ્રિકા આજની મેચમાં કેટલાક ખેલાડીઓને લઈને ટીમમાં ફેરફાર કરી શકે છે.
ભારતે T20 વર્લ્ડ કપ 2026ની છેલ્લી લીગ મેચમાં અર્શદીપ સિંહને સામેલ કર્યો હતો, આની સાથોસાથ આ જ મેચમાં, ભારતે વોશિંગ્ટન સુંદરને પણ અજમાવવા માટે અક્ષર પટેલને આરામ આપ્યો હતો. જો કે, આજની સુપર 8ની મહત્વની મેચમાં અક્ષર પટેલની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી નિશ્ચિત લાગી રહી છે. ઈએસપીએનક્રિક ઈન્ફોના અહેવાલ અનુસાર ભારતની સંભવિત ટીમ આ પ્રકારે રહી શકે છે.
ભારત (સંભવિત પ્લેઇંગ ઇલેવન): 1 અભિષેક શર્મા, 2 ઇશાન કિશન (વિકેટકીપર), 3 તિલક વર્મા, 4 સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), 5 હાર્દિક પંડ્યા, 6 રિંકુ સિંહ, 7 શિવમ દુબે, 8 અક્ષર પટેલ, 9 અર્શદીપ સિંહ, 10 જસપ્રીત બુમરાહ, 11 વરુણ ચક્રવર્તી.
દક્ષિણ આફ્રિકાએ પણ તેની પાછલી મેચમાં લુંગી ન્ગીડીને આરામ આપ્યો હતો, જેથી કાગીસો રબાડા ફરીથી તેની લય મેળવી શકે અને એનરિચ નોર્ટજે તેની કસોટી કરી શકે. ન્ગીડી દક્ષિણ આફ્રિકાનો મુખ્ય સ્ટ્રાઇક બોલર છે, તેથી તેની વાપસી માટે અનુભવી ઝડપી બોલરોમાંથી એકને બહાર બેસાડવામાં આવી શકે છે. અમદાવાદના વાતાવરણ અને દિવસ-રાત્રિ મેચને ધ્યાનમાં રાખીને, કોર્બિન બોશ, જ્યોર્જ લિન્ડેનું સ્થાન લે તેવી શક્યતા વધુ છે.
દક્ષિણ આફ્રિકા (સંભવિત પ્લેઇંગ ઇલેવન): 1 એડન માર્કરામ (કેપ્ટન), 2 ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), 3 રાયન રિકેલ્ટન, 4 ડેવાલ્ડ બ્રુઇસ, 5 ટ્રિસ્ટન સ્ટબ્સ, 6 ડેવિડ મિલર, 7 માર્કો જેન્સન, 8 કોર્બિન બોશ, 9 કેશવ મહારાજ, 10 કાગીસો રબાડા અથવા તો એનરિચ નોર્ટજે, 11 લુંગી ન્ગીડી.
અમદાવાદમાં રાત્રિના સમયે રમાતી મેચમાં સામાન્ય રીતે રનનો ઢગલો થતો હોય છે, જેના કારણે પહેલો દાવ લેનાર ટીમે આપેલ લક્ષ્યાંક ચેઝ કરવાનું વધુ સરળ બને છે. ભારતે નેધરલેન્ડ્સ સામે તેમની છેલ્લી મેચ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કાળી માટીની પીચ ઉપર રમી હતી, જે થોડી ધીમી હતી. આજની દક્ષિણ આફ્રિકા સામેની મેચ પણ કાળી માટીની પીચ પર રમાશે, તેથી ઘણા રનની અપેક્ષા રાખવી સમજદારીભર્યું ના હોઈ શકે. આમ છતાં, ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું વધુ પસંદ કરશે. ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ શહેરમાં વધુમાં વધુ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે. જે ક્રિકેટની રમત માટે ખૂબ ગરમ ગણાય છે, ઊચુ તાપમાન ખેલાડીઓ માટે પડકાર ઉભો કરશે, જોકે વરસાદની કોઈ સંભાવના નથી.
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ અને ટી20 ક્રિકેટ વર્લ્ડ કપને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
Published On - 9:01 am, Sun, 22 February 26