
T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે ભારે તબાહી મચાવી હતી. અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશનએ મળીને ન્યુઝીલેન્ડના બોલરોને તોડી પાડ્યા હતા. ત્રણેયે વિસ્ફોટક અડધી સદી ફટકારી અને ટીમને માત્ર 15 ઓવરમાં 200 રનથી વધુનો સ્કોર અપાવ્યો. જોકે, ટોપ ઓર્ડરે શાનદાર બેટિંગ કરી, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખરાબ રીતે નિષ્ફળ ગયો, જેનાથી ફાઈનલમાં ભારતીય કેપ્ટનની નિષ્ફળતાનો સિલસિલો ચાલુ રહ્યો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, ભારતીય ટીમે જોરદાર શરૂઆત કરી. એવું લાગતું હતું કે તેઓ સરળતાથી 270 રન સુધી પહોંચી જશે. ફક્ત 15 ઓવરમાં, ટીમે 203 રન બનાવ્યા હતા, જેમાં ફક્ત એક વિકેટ ગુમાવી હતી. પરંતુ પછી 16 મી ઓવરના પહેલા બોલ પર સેમસન આઉટ થયો, અને પછી ઇશાન કિશન પાંચમા બોલ પર આઉટ થયો. જે બાદ કેપ્ટન સૂર્યા 0 પર આઉટ થયો હતો.
અહીં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ક્રીઝમાં પ્રવેશ્યો હતો, જેની પાસેથી ટીમનો સ્કોર આગળ વધારવાની અપેક્ષા હતી. જોકે, તે ઓવરના છેલ્લા બોલ પર આઉટ થઈ ગયો હતો, આમ તે પોતાના પહેલા બોલ પર ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યાના T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ ફક્ત ત્રીજી વખત હતું જ્યારે તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. તેનો અગાઉનો ગોલ્ડન ડક લગભગ 42 મહિના પહેલા, સપ્ટેમ્બર 2022 માં ઓસ્ટ્રેલિયા સામે આવ્યો હતો.
આટલું જ નહીં, સૂર્યા ભારતીય કેપ્ટનોના ફાઈનલમાં નિષ્ફળ જવાના ઇતિહાસને બદલી શક્યો નહીં. ભારતના અગાઉના ત્રણ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં, કેપ્ટનો સિંગલ-ડિજિટના સ્કોર સુધી પણ નાં પહોંચી શક્યા અને આઉટ થયા હતા. એમએસ ધોની 2007 ની ફાઇનલમાં ફક્ત 6 રન બનાવી શક્યો હતો, જ્યારે 2014 ની ફાઇનલમાં, તે ફક્ત 4 રન બનાવી શક્યો હતો. 2024 માં, ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 9 રન બનાવી આઉટ થયો હતો. જોકે, સૂર્યા ફાઇનલમાં 0 રન બનાવી આઉટ થનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો.
આ સાથે, સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રથમ બોલ પર 0 રન પર આઉટ થનાર ચોથો બેટ્સમેન પણ બન્યો, તેના પહેલા પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલ અને વેસ્ટ ઈન્ડિઝના લેન્ડલ સિમન્સ સાથે આવું બન્યું હતું.
Published On - 9:57 pm, Sun, 8 March 26