Harmanpreet Kaur હાર બાદ કાળા ચશ્મા પહેરી સામે આવી, પરાજય બાદ આંખો છુપાવવાનુ શુ છે રાઝ?
Harmanpreet Kaur પરાજય બાદ કાળા ચશ્મા પહેરેલ જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં હાર બાદ તે ચશ્મા પહેરીને પ્રેઝન્ટેશનમાં પહોંચી હતી અને તેણે પોતાની વિકેટને કમનસીબ બતાવી હતી.
T20 મહિલા વિશ્વકપ 2023માં ફાઈનલમાં પહોંચવાની ખૂબ આશા ભારતીય ક્રિકેટ ચાહકોને હતી. હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્ઝની રમતે ભારતીય ટીમને લક્ષ્ય તરફ આગળ વધારતી રમતે આશાઓ મજબૂત કરી હતી. જોકે અંતમાં આ આશાઓ નિરાશામાં પલટાઈ ગઈ હતી. ખરાબ શરુઆત છતાં કેપ્ટન કૌર અને જેમિમાની રમતે ભારતને મેચમાં બનાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 173 રનનુ લક્ષ્ય 4 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ. જવાબમાં ભારતીય ટીમ 167 રન નિર્ધારીત ઓવરમાં 8 વિકેટે બનાવી શકી હતી. જોકે હાર બાદ ભારતીય સુકાની હરમનપ્રીત કાળા ચશ્મામાં જોવા મળી હતી.
પ્રેઝન્ટેશનમાં કાળા ચશ્મા પહેરીને હાર બાદ આવવાનુ કારણ પણ બતાવ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે, હું નથી ઈચ્છતી કે મારો દેશ મને રડતા જુએ. બસ આ જ કારણ થી મે ચશ્મા પહેર્યા છે. આનાથી વધારે કમનસીબ અનુભવ કરી શકતી નથી. કૌરે કહ્યુ હતુ કે, જેમિમાની સાથે બેટિંગ કરતા અમે મેચમાં પરત ફર્યા હતા.
Harmanpreet Kaur : don’t want my country to see my crying, hence I am wearing these glasses, I promise, we will improve and wont let out nation down like this again.
What a statement from the Champ.#INDWvsAUSW pic.twitter.com/FHbwGjNg2q
— Roshan Rai (@RoshanKrRaii) February 23, 2023
કેપ્ટને બતાવ્યુ-આ હતુ સૌથી મોટુ દુર્ભાગ્યુ
હરમનપ્રીત કૌરે કહ્યુ, “લય હાંસલ કર્યા પછી, ત્યાંથી હારી જવાની આશા રાખી શકાતી નથી. ભારતીય સુકાનીએ વધુમાં કહ્યું કે હું જે રીતે રન આઉટ થઈ તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ ન હોઈ શકે. અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે અને અમે ખુશ હતા કે અમે અંતિમ બોલ સુધી ગયા. અમે છેલ્લા બોલ સુધી લડવા માંગતા હતા”.
સ્વીકાર્યુ કે આ હતી ભૂલો
હરમનપ્રીતે કહ્યું કે “અમે લક્ષ્ય હાંસલ કરવા માગતા હતા, એટલા માટે જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, તે અમારા માટે સારું હતું. અમે પહેલી બે વિકેટ વહેલી ગુમાવી દીધી ત્યારે પણ અમે જાણતા હતા કે અમારી પાસે સારા બેટ્સમેન છે. મારે જેમિમાને શ્રેય આપવો જોઈએ. તેણે પુનરાગમન કર્યું. કેટલાક સારા પ્રદર્શન જોઈને આનંદ થયો. એકંદરે અમે સારું ક્રિકેટ રમ્યા. ફિલ્ડિંગે ભૂલો કરી. અમે ફરીથી કેટલાક સરળ કેચ છોડ્યા. આપણે આમાંથી જ શીખી શકીએ છીએ”.
કૌરની કેપ્ટન ઈનીંગ
ટીમ ઈન્ડિયાની સુકાની હરમપ્રીત કૌરે આક્રમક અંદાજમાં કેપ્ટન ઈનીંગ રમી હતી. કૌરે 34 બોલનો સામનો કરીને 52 રન નોંધાવ્યા હતા. 6 ચોગ્ગા અને 1 છગ્ગો તેણે પોતાની અર્ધશતકીય ઈનીંગ દરમિયાન ફટકાર્યા હતા. 28 રનમાં ટોપ ઓર્ડરની 3 વિકેટ ગુમાવી દીધા બાદ પાવરપ્લેમાં રન નિકાળવાનુ કામ હરમનપ્રીત અને જેમિમાએ કર્યુ હતુ. જેમિમાએ 24 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. તેની તોફાની રમતે ભારતને વિશાળ લક્ષ્યની નજીક પહોંચવાની સફર કરાવી હતી. બંનેની રમતે ટીમ ઈન્ડિયાની ફાઈનલ ટિકિટની આશા બંધાવી હતી.