ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પર હજુ પણ સંકટના વાદળો છવાયેલા છે. ભારત-પાકિસ્તાનના વિવાદને કારણે ICCએ હજુ સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધો અને પાકિસ્તાનમાં સુરક્ષાના જોખમને જોતા ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પડોશી દેશના પ્રવાસ પર મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં હાઈબ્રિડ મોડલ પર આ ટુર્નામેન્ટ યોજવાની માંગ ઉઠી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. બીજી ભારતીય ટીમે પાકિસ્તાન ન જવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન જવાની પરવાનગી આપી નથી. આવી સ્થિતિમાં બ્લાઈન્ડ ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તમને જણાવી દઈએ કે, ભારતીય બ્લાઈન્ડ ટીમને આ ટૂર્નામેન્ટ માટે રમત મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું હતું, પરંતુ ભારતીય ટીમને પાકિસ્તાન જવા માટે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની મંજૂરીની પણ જરૂર હતી, જે નથી મળી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશન (IBCA)ના જનરલ સેક્રેટરી શૈલેન્દ્ર યાદવે કહ્યું છે કે વિદેશ મંત્રાલયે પાકિસ્તાન જવાની પરવાનગી આપી નથી અને ટૂર્નામેન્ટમાંથી ખસી જવા કહ્યું છે. યાદવે એમ પણ કહ્યું હતું કે તેમને હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર મંજૂરી આપતો પત્ર મળ્યો નથી પરંતુ આ અંગે મૌખિક રીતે જાણ કરવામાં આવી હતી.
બ્લાઈન્ડ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાનમાં યોજાશે. આ ટૂર્નામેન્ટની ચોથી આવૃત્તિ છે. આ પહેલા બ્લાઈન્ડ T20 ક્રિકેટ વર્લ્ડ કપની ત્રણ સિઝન થઈ ચૂકી છે અને ત્રણેયમાં ભારતીય ટીમે જીત મેળવી છે. ભારતીય ટીમે 2012 અને 2017માં પાકિસ્તાનને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. જ્યારે 2022માં ભારતીય ટીમે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
આ પણ વાંચો: IPL 2025 : KKRએ રિટેન ન કર્યો, તો આ ખેલાડીએ ચુપચાપ RCBનો કર્યો સંપર્ક
Published On - 6:01 pm, Tue, 19 November 24