દિનેશ કાર્તિક બન્યો ભારતનો કેપ્ટન, 20 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવાનો પડકાર

Hong Kong Sixes 2025: દિનેશ કાર્તિક, જેણે RCBને મેન્ટર તરીકે IPL ચેમ્પિયન બનાવ્યું હતું, તે હવે હોંગકોંગ સિક્સીસમાં ભારતનો કેપ્ટન બન્યો છે. આ ટુર્નામેન્ટ 7 નવેમ્બરથી શરૂ થવાની છે, જેની ફાઈનલ 9 નવેમ્બરે યોજાવાની છે.

દિનેશ કાર્તિક બન્યો ભારતનો કેપ્ટન, 20 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવાનો પડકાર
Dinesh Karthik
Image Credit source: PTI
| Updated on: Sep 23, 2025 | 5:53 PM

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન અને હાલમાં IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેન્ટર દિનેશ કાર્તિકના ચાહકો માટે સારા સમાચાર છે. દિનેશ કાર્તિક ટૂંક સમયમાં ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે અને મોટી વાત એ છે કે તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બની ગયો છે.

હોંગકોંગ સિક્સીસમાં દિનેશ કાર્તિક ભારતનો કેપ્ટન

દિનેશ કાર્તિકને હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 7 નવેમ્બરથી શરૂ થશે અને તેનો ટાઇટલ મેચ 9 નવેમ્બરે રમાશે. મોટી વાત એ છે કે દિનેશ કાર્તિક ઉપરાંત આર અશ્વિન પણ આ ટુર્નામેન્ટમાં રમશે. આર અશ્વિને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

સચિન-ધોની આ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યા છે

હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટ હોંગકોંગમાં રમાઈ રહી છે. સચિન, ધોની, કુંબલે જેવા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યા છે. દિનેશ કાર્તિક પોતે પણ આ ટુર્નામેન્ટ પહેલા રમી ચુક્યો છે અને આ વખતે તેને કેપ્ટનશીપની જવાબદારી મળી છે.

ભારત 20 વર્ષથી ચેમ્પિયન બન્યું નથી

હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ 1992 માં શરૂ થઈ હતી જેમાં કુલ 12 ટીમો રમે છે. ભારતે આ ટુર્નામેન્ટ ફક્ત એક જ વાર 2005માં જીતી છે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ પાંચ વખત જીતી છે. ભારતીય ટીમ 1992 અને 1995માં ફાઈનલમાં આ ટુર્નામેન્ટ હારી ગઈ હતી. હવે દિનેશ કાર્તિકને 20 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવાની જવાબદારી મળી છે.

 

હોંગકોંગ સિક્સરમાં ખરાબ પ્રદર્શન

ગયા વર્ષે હોંગકોંગ સિક્સીસમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રોબિન ઉથપ્પા ટીમનો કેપ્ટન હતો અને ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી. ભારતને પાકિસ્તાન અને યુએઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમમાં ફક્ત 6 ખેલાડીઓ

તમને જણાવી દઈએ કે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં એક ટીમમાં ફક્ત 6 ખેલાડીઓ રમે છે. એક ઈનિંગ 6 ઓવરની હોય છે અને દરેક ખેલાડી ફક્ત એક ઓવર જ ફેંકી શકે છે. ટુર્નામેન્ટમાં કોઈ ફ્રી હિટ કે નો બોલ નથી. ઉપરાંત, જો કોઈ ખેલાડી અડધી સદી ફટકારે છે, તો તેણે નિવૃત્તિ લેવી પડે છે.

આ પણ વાંચો: Asia Cup 2025 : ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર ટકરાશે, આ મેચ ક્યારે અને ક્યાં જોવી લાઈવ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો