
કિસ્મત ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા માણસને પણ કૂતરો કરડી લે છે. આવું જ કંઈક રવિવારે 29 નવેમ્બરને રોજ ઓસ્ટ્રેલિયા સાથે થયું, જ્યારે ટીમ કરો યા મરો મેચમાં 181 રનનો પીછો કરી રહી હતી.
છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 12 રનની જરૂર હતી પરંતુ બે વિકેટ ગુમાવીને ટીમ 4 રન જ બનાવી શકી. અંતે ઈંગ્લેન્ડે મુકાબલો 7 રનથી જીતી લીધો. આ સાથે જ ઈંગ્લેન્ડે 5 મેચની T20 સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી.
25 વર્ષના યુવા બોલર હેનરી ક્રોકોમ્બે ઈંગ્લેન્ડની જીતના હીરો રહ્યો. તેણે સતત 4 સ્લોઅર-બોલ કટર ફેંકી અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને હેરાન કરી દીધા.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને લક્ષ્યનો પીછો કરતાં શાનદાર સદીની ઇનિંગ રમી. જો કે, તે પોતાની ટીમની નૈયા પાર લગાવી શક્યો નહીં. તેણે 57 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 119 રનની ઇનિંગ રમી. આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની બીજી સદી હતી. માર્શ 20મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો અને તેની સાથે ટીમની આશાઓ પણ ખતમ થઈ ગઈ.
અગાઉ ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને સેમ કરનની 50 રનની અણનમ ઇનિંગના દમ પર 7 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. કરન ઉપરાંત જેમ્સ કોલ્સે 29 બોલમાં 33 રનની ઇનિંગ રમી.
ઈંગ્લેન્ડે 93 રનના સ્કોર પર પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ 7મી વિકેટ માટે કરન અને ઓવર્ટને 51(20) રનની ભાગીદારી કરીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.
Published On - 6:23 pm, Sun, 29 November 26