Breaking News: CSK ‘મોટો દાવ’ રમવા તૈયાર… 14.2 કરોડનો ખેલાડી થશે ‘બહાર’, સુધારશે ગત ઓક્શનની ‘ભૂલ’

IPL 2027 ની તૈયારીઓ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગત હરાજીમાં કરોડો રૂપિયા ખર્ચીને ખરીદેલા બે મોટા યુવા ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ ન રહેતા હવે CSK તેમને રિલીઝ કરીને પોતાનું પર્સ મજબૂત કરવાના મૂડમાં છે, જેનાથી આગામી ઓક્શનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

Breaking News: CSK મોટો દાવ રમવા તૈયાર... 14.2 કરોડનો ખેલાડી થશે બહાર, સુધારશે ગત ઓક્શનની ભૂલ
Image Credit source: BCCI
| Updated on: Nov 02, 2026 | 4:53 PM

IPL 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. BCCI દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, તમામ ટીમો પોતાની રિટન્શન લિસ્ટ ક્યારે બહાર કરશે. આ દરમિયાન IPLની ચેમ્પિયન ટીમોમાંથી એક CSKમાં મોટા ફેરફારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ટીમે જે બે ખેલાડીઓને ગત હરાજીમાં ઊંચી કિંમતે ખરીદ્યા હતા, તેમાંથી એક અથવા તો બંનેની છટણી થઈ શકે છે. આનાથી ટીમના પર્સમાં પૈસા વધી જશે, જેથી બીજા કેટલાક ખેલાડીઓને ખરીદી શકાય.

પ્રશાંત વીર અને કાર્તિક શર્માને CSK એ 14.2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા

ચેન્નઈ સુપર કિંગ્સે વર્ષ 2026ના IPL ઓક્શનમાં પ્રશાંત વીરને 14.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જોડ્યા હતા. પ્રશાંત માત્ર 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર આવ્યો હતો. તેના પર પહેલા LSG અને મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વચ્ચે CSK અને SRH એ પણ એન્ટ્રી કરી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી બોલી 14 કરોડ રૂપિયાની લગાવી હતી.

ત્યારબાદ CSKએ 14.20 કરોડ રૂપિયા આપીને તેને પોતાની ટીમમાં જોડી દીધો. ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી પ્રશાંત વીરે ટીમ માટે 6 મેચ રમીને 90 રન બનાવ્યા અને તેને કોઈ વિકેટ પણ મળી ન હતી. હવે CSKને કદાચ એવું લાગે છે કે, તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી અને તેને હવે રિલીઝ કરવાની ચર્ચા ચાલી રહી છે.

કાર્તિક શર્માનું પ્રદર્શન પણ ગત સિઝનમાં ખૂબ સારું રહ્યું નહોતું

જો કાર્તિક શર્માની વાત કરીએ તો, તેની બોલી પણ 30 લાખ રૂપિયાથી જ શરૂ થઈ હતી. પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને LSG મેદાનમાં ઉતર્યા હતા. ત્યારબાદ KKR અને CSK પણ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, બાદમાં SRH ફ્રેન્ચાઇઝી પણ કૂદી પડી.

સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી બોલી 14 કરોડ રૂપિયાની લગાવી અને અહીં પણ 14.20 કરોડ રૂપિયા આપીને કાર્તિકને પોતાની ટીમમાં એડ (Add) કરી લીધો. કાર્તિકે ગત સિઝનમાં ટીમ માટે 11 મેચ રમીને 295 રન બનાવ્યા, એટલે કે જેટલી કિંમતમાં તેને ખરીદવામાં આવ્યો હતો, તે પ્રકારનું રિટર્ન ટીમને મળ્યું નહીં.

CSK પાસે હાલમાં માત્ર 2.4 કરોડ રૂપિયા જ પર્સમાં બાકી છે

આ રીતે જોઈએ તો, 28 કરોડ રૂપિયાથી વધુની કિંમત CSKએ આ બે ખેલાડીઓ પર જ ખર્ચી નાખી હતી. હવે જ્યારે નવી સિઝન માટે હરાજી થવાની છે, ત્યારે ટીમ પાસે પર્સમાં વધુ પૈસા નથી. અત્યારે ટીમ પાસે માત્ર 2.4 કરોડ રૂપિયા જ બાકી છે. જો આ વર્ષે 5 કરોડ રૂપિયાનો વધારો થાય તો પણ તે લગભગ સાડા સાત કરોડ સુધી જ જઈ શકશે.

ટીમ જો આ વર્ષે કોઈ ખેલાડી પાછળ જવા ઈચ્છે તો પણ જઈ શકે તેમ નથી, કારણ કે અન્ય ટીમો પાસે આનાથી વધુ પૈસા હશે. આ દરમિયાન ક્રિકબઝના એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ટીમ આ બંનેમાંથી કોઈ એકને રિલીઝ કરીને પોતાનું પર્સ વધારવા ઈચ્છે છે. જો સંભવ થયું તો ટીમ તે ખેલાડીને ફરીથી ઓછી કિંમતમાં ખરીદી શકે છે.

Breaking News : હાર્દિક પંડ્યાએ બેઝબોલ ચેલેન્જમાં મિસ્ટર બીસ્ટને હરાવીને લાખો રૂપિયા જીત્યા, જરૂરિયાતમંદોને દાનમાં આપ્યા

Follow Us
Loading...
Unable to load recommendations.