
શું 18 મે એમએસ ધોનીનો ક્રિકેટ મેદાન પર છેલ્લો દિવસ હશે ? શું ધોની 26 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ફરી એકવાર ચેમ્પિયન બનશે અને IPL અને ક્રિકેટથી કાયમ માટે અલગ થઈ જશે ? શું આ ધોનીની વિદાયની મોસમ છે ? IPL 2024 સિઝનની શરૂઆતથી જ આ સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ સંભાવનાને કારણે ધોનીને જોવા માટે દરેક મેદાન પર ચાહકોની ભીડ ઉમટી રહી છે. ચાહકોને ડર છે કે આ તેની છેલ્લી સિઝન છે, પરંતુ જો કોઈ કહે કે ધોની વધુ 2 વર્ષ રમી શકે છે, તો ફેન્સ ચોક્કસપણે ખુશ થશે. જો ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીની નજીકની કોઈ વ્યક્તિ આવું કહે છે, તો આશા બંધાઈ શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની ગત સિઝન બાદ નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો પરંતુ તે પછી ધોનીએ કહ્યું હતું કે તે ચાહકોનો પ્રેમ જોઈને ફરીથી વાપસી કરવા ઈચ્છશે. આ સિઝનમાં પણ તેને ઘણો પ્રેમ મળ્યો છે અને હવે જોવાનું એ રહેશે કે આ વખતે પણ તે ફેન્સની વાત સાંભળે છે કે નહીં?
ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા ચેન્નાઈના ચાહકોને આશાનું આ કિરણ આપ્યું છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લિજેન્ડે એક શોમાં આશા વ્યક્ત કરી હતી કે ધોની હજુ પણ સારા ફોર્મમાં છે અને ટુર્નામેન્ટ માટે સારી તૈયારી કરી રહ્યો છે તે રીતે તે રમવાનું ચાલુ રાખશે.
Is this going to be MS Dhoni’s last IPL season? Current CSK batting coach and former teammate Michael Hussey tells us what he knows pic.twitter.com/PbuzJtKNDa
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2024
ગત સિઝનમાં ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ પાંચમી વખત ટાઈટલ જીત્યું હતું પરંતુ તે સમયે ધોની ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો હતો. ટૂર્નામેન્ટ સમાપ્ત થયા પછી તેના ઘૂંટણની સર્જરી થઈ હતી અને પછી તેણે આ સિઝનમાં પુનરાગમન કર્યું હતું. આ વખતે પણ ધોની છેલ્લી ઓવરોમાં સતત બેટિંગ કરવા આવી રહ્યો છે. હસીએ પણ આને મોટો મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે તેનું દરેક મેચમાં રમવું સૌથી મહત્વપૂર્ણ છે, જે તે સિઝનની શરૂઆતથી જ કરી રહ્યો છે.
લાખો ચાહકોની જેમ હસીએ પણ પોતાની અંગત ઈચ્છા વ્યક્ત કરી હતી કે ધોનીએ ઓછામાં ઓછા બે વર્ષ રમવાનું ચાલુ રાખવું જોઈએ, પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું કે આવું થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. તેણે સ્પષ્ટ કર્યું કે ધોનીની ફિટનેસ સૌથી મહત્વની બાબત છે અને તેને મેનેજ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હસીએ મજાકમાં કહ્યું કે ધોનીને થોડો ડ્રામા ગમે છે અને તેથી જલ્દીથી કોઈ નિર્ણયની અપેક્ષા નથી. હસીએ કહ્યું કે આખરે આ નિર્ણય ધોનીનો જ હશે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અંગે મોટી જાહેરાત, પગારથી લઈને ઉંમર સુધી, BCCIએ મૂકી કડક શરતો