Breaking News: ભારત-અફઘાનિસ્તાન મેચની તારીખ બદલાશે ! દિલ્હી પોલીસે શેડ્યૂલમાં ફેરફારની માંગ કેમ કરી?
ટીમ ઈન્ડિયા 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20I શ્રેણીની પહેલી મેચ રમવાની છે. જોકે, દિલ્હી પોલીસે DDCAને મેચ રદ્દ કરવા અથવા તેને પછીની તારીખે ખસેડવાની માંગણી કરી છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20I શ્રેણી શરૂ થશે. ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જોકે, શ્રેણીની પહેલી મેચ પર સંકટના વાદળો ઘેરાયા હતા. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપનની ચિંતાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ને મેચ રદ્દ કરવા અથવા તેને પછીની તારીખે ખસેડવાની વિનંતી કરી હતી. જોકે, DDCA એ નક્કી કરીલી તારીખે જ મેચ રમવાનો નિર્ણય લીધો છે.
ભારત-અફઘાનિસ્તાન મેચ સાથે BRICS સમિટ
હકીકતમાં, ટ્રાફિક વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) એ 9 સપ્ટેમ્બરના રોજ DDCA ના સચિવને એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર સ્પેશિયલ પોલીસ કમિશનરની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યો હતો. પત્ર અનુસાર, BRICS સમિટ 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અનેક દેશોના નેતાઓ, વિદેશી પ્રતિનિધિમંડળો, રાજદ્વારીઓ અને ટોચના VVIP હાજરી આપશે.
દિલ્હી પોલીસે શેડ્યૂલમાં ફેરફારની માંગ કરી
BRICS સમિટમાં નેતાઓ સહિત વિદેશી મહેમાનોની અવરજવર, રૂટ નિયમન, સુરક્ષા ઘેરાબંધી અને કાફલાની અવરજવર માટે પહેલેથી જ મોટી સંખ્યા દિલ્હી પોલીસ અને ટ્રાફિક કર્મચારીઓ તૈનાત છે. તેથી, એક જ દિવસે બે મુખ્ય ઇવેન્ટ માટે સુરક્ષા દળો પૂરા પાડવાનું પોલીસ વહીવટીતંત્ર માટે ખૂબ પડકારજનક રહેશે. ટ્રાફિક પોલીસે એક પત્રમાં સ્પષ્ટતા કરી છે કે ભારત-અફઘાનિસ્તાન મેચ દરમિયાન અંદાજે 25,000 થી 35,000 ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં આવવાની અપેક્ષા છે. આનાથી આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ શકે છે.
BRICS સમિટ પછી મેચ યોજવાની વિનંતી
આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે DDCA ને વિનંતી કરી છે કે તેઓ BRICS સમિટ સમાપ્ત થયા પછી આંતરરાષ્ટ્રીય મહેમાનોની સલામતી અને સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ મેચને કોઈ અન્ય તારીખે ગોઠવે.
મેચ નિર્ધારિત તારીખે જ યોજાશે
DDCAએ હવે આ મુદ્દા પર એક મોટી અપડેટ આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં, DDCAએ લખ્યું છે કે, “13 સપ્ટેમ્બરના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20I મેચ નિર્ધારિત સમયપત્રક મુજબ જ રમાશે. દિલ્હી ટ્રાફિક પોલીસ સાથેની બેઠક બાદ, DDCAને તમામ જરૂરી સહાય અને વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે. મેચ રદ કરવામાં આવશે નહીં.”
