
RCB vs GT, IPL 2026 Final: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ક્રિકેટ જગતમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી જેની ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. IPL 2026 ની ફાઇનલમાં રજત પાટીદારની આગેવાની હેઠળ RCB એ શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવીને સતત બીજી વખત IPL ટાઇટલ જીત્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં બેંગલુરુએ દરેક વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું અને મેચ 5 વિકેટથી જીતી લીધી. આ સાથે, RCB IPL માં પોતાનું ટાઇટલ ડીફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની હતી.
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર RCBએ મજબૂત શરૂઆત કરી. RCBના બોલરોએ કેપ્ટન રજત પાટીદારના પહેલા બોલિંગના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કેપ્ટન શુભમન ગિલને માત્ર 10 રન પર આઉટ કરીને ગુજરાતને મોટો ફટકો આપ્યો. તેના થોડા સમય પછી સાઈ સુદર્શન પણ 12 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ જોસ બટલરે ઇનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ તેને પરફેક્ટ વાઈડ યોર્કરથી આઉટ કરીને ગુજરાતની આશાઓ પર પાણી ફેરવી દીધું.
જોકે, વોશિંગ્ટન સુંદરે એક છેડો પકડી રાખ્યો, 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જેના કારણે ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન સુધી પહોંચી શક્યું. યુવા, અનકેપ્ડ ખેલાડી રસિક સલામ RCBનો સૌથી સફળ બોલર હતો. રસિકે શાનદાર બોલિંગ કરી, 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી. કૃણાલ પંડ્યાએ પણ 1 વિકેટ લીધી.
156 રનના લક્ષ્યાંકના જવાબમાં, વેંકટેશ અય્યર અને વિરાટ કોહલીએ RCBને વિસ્ફોટક શરૂઆત અપાવી. વેંકટેશ અય્યરે 16 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, દેવદત્ત પડિકલ ફક્ત 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રાશિદ ખાને એક જ ઓવરમાં રજત પાટીદાર અને કૃણાલ પંડ્યાને આઉટ કરીને ગુજરાતની આશાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરાટ કોહલીએ એક છેડો પકડી રાખ્યો. આ દરમિયાન, ટિમ ડેવિડે 17 બોલમાં 24 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. વિરાટ કોહલીએ 42 બોલમાં અણનમ 75 રન બનાવીને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.
આ જીત સાથે, RCB ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સ્પેશિયલ ક્લબમાં જોડાયું છે, જેમણે સફળતાપૂર્વક પોતાના ખિતાબનો બચાવ કર્યો છે. ગયા વર્ષે એટલે કે 2025માં પોતાનો પહેલો ખિતાબ જીતનાર બેંગલુરુ ટીમે આ વર્ષે પણ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું અને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું.
Published On - 11:26 pm, Sun, 31 May 26