Breaking News: RCB ને પાછળ છોડી ટોપ-2 માં પહોંચવા SRH ને મોટી જીતની જરૂર, જાણો ક્વોલિફાયર-1 નું ગણિત
ગુજરાત ટાઈટન્સે તેમની છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મોટી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 સ્થાન મેળવ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ટોપ-2 માં પહોંચવા તૈયાર છે, પણ તેના માટે SRH એ RCB ને મોટા માર્જિનથી હરાવવું પડશે. જાણો ક્વોલિફાયર-1 માં પહોંચવા માટે SRH નું ગણિત.

IPL 2026 નો લીગ સ્ટેજ પૂરો થવાનો છે, અને પ્લેઓફ રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે. જોકે ચાર પ્લેઓફ ટીમો હજુ સુધી ફાઈનલ થઈ નથી, કારણ કે ચોથા સ્થાન માટેનો જંગ હજુ ચાલુ છે. જોકે, તે પહેલા શુક્રવાર, 22 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાન પર રહેનારી ટીમો કઈ હશે તે નક્કી થઈ જશે.
હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે મુકાબલો
IPL 2026 ની 67 મી મેચ શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે SRH અને RCB વચ્ચે રમાશે. હૈદરાબાદ અને બેંગલુરુ પહેલાથી જ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે અને હવે તેમની સામે ટોપ-ટુમાં સ્થાન મેળવવાનો પડકાર છે. બંને ટીમોમાંથી ફક્ત એક જ ટીમ આ સ્થાન મેળવી શકશે, કારણ કે ગુજરાત ટાઈટન્સ પહેલાથી જ એક સ્થાન મેળવી ચૂકી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.
પોઈન્ટ ટેબલમાં ટોપ 2 પહોંચવાની રેસ
હવે પ્રશ્ન એ છે કે બેંગલુરુ અને હૈદરાબાદમાંથી ટોપ 2 માં બાકી રહેલું સ્થાન કોણ મેળવશે? હાલમાં, પોઈન્ટ ટેબલ બતાવે છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB 18 પોઈન્ટ અને 1.065 ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે SRH પાસે હાલમાં 16 પોઈન્ટ અને 0.350 ના રન રેટ છે. તેથી, બેંગલુરુ હાલમાં આગળ છે, પરંતુ SRH અને RCB વચ્ચેની મેચ પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી શકે છે અને હૈદરાબાદ ટોચનું સ્થાન મેળવી શકે છે. પરંતુ તે કેવી રીતે થશે?
SRH ક્વોલિફાયર-1 માં કેવી રીતે પહોંચશે?
સૌ પ્રથમ, સનરાઈઝર્સને 18 પોઈન્ટ મેળવવા માટે આ મેચ જીતવી પડશે. જોકે, જીત પૂરતી નથી, કારણ કે SRH ની જીત બાદ SRH, RSB, GT ત્રણેય ટીમોના બરાબર 18 પોઈન્ટ રહેશે અને નિર્ણય નેટ રન રેટ પર આધારિત રહેશે. તેથી, હૈદરાબાદને ગુજરાત જેટલી મોટી જીતની જરૂર છે. નેટ રન રેટની ગણતરી અનુસાર પહેલા બેટિંગની સ્થિતિમાં સનરાઈઝર્સે RCBના નેટ રન રેટથી આગળ નીકળવા માટે 87 થી 89 રનના માર્જિનથી જીતવું પડશે. જો સનરાઈઝર્સ હારે છે અથવા ઓછા માર્જિનથી જીતે છે, તો બેંગલુરુ પ્રથમ સ્થાને રહેશે.
SRH નું નેટ રન રેટનું ગણિત
જો SRH 180 રન બનાવે છે, તો તેમણે ઓછામાં ઓછા 87 રનથી જીતવું પડશે. જો તેઓ 200 રન બનાવે છે, તો પણ તેમને RCB ને પાછળ છોડવા માટે સમાન માર્જિનની જરૂર છે. જો SRH 220 રન બનાવે છે, તો તેમને 88 રનના માર્જિનથી જીત મળશે તો જ નેટ રનરેટ વધશે. જો SRH ના બેટ્સમેનો તેમની ટીમને 240 રન સુધી પહોંચાડી શકે છે, તો તેમના બોલરોને 89 રનથી મેચ જીતાડવાની જરૂર પડશે.
રન ચેઝમાં 11 ઓવરમાં જીત જરૂરી
હવે, જો SRH પહેલા બોલિંગ કરે છે તો તેમણે 11 થી 11.1 ઓવરમાં રન ચેઝ કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો SRH ને 121, 141 અથવા 161 રનનો ટાર્ગેટ મળ્યો હોય, તો તેમણે 11.1 ઓવરમાં તે હાંસલ કરવું પડશે. જો ટાર્ગેટ 181 હોય, તો તેમણે 11 ઓવરમાં જીત મેળવવી પડશે અને જો SRHને વધારે ટાર્ગેટ મળે, તો તેમણે 11 ઓવરથી ઓછી ઓવરમાં જીત મેળવવી પડશે.
