
દરેક IPL સિઝનમાં એક કે બે ટીમો શરૂઆતમાં જ ઘણી મેચો હારી જાય છે અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જાય છે. જ્યારે કેટલીક ટીમો મજબૂત શરૂઆતથી મોટી લીડ બનાવી લે છે અને લગભગ પોતાનું સ્થાન સુરક્ષિત કરી લે છે. પણ પછી આ ટીમો પ્લેઓફ રેસમાં પોઈન્ટ ટેબલની ગેમમાં ફસાય જાય છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે અસલી નાટક શરુ થાય છે, જેમાં બહાર થયેલી ટીમ અન્ય ટીમોને નુકસાન પહોંચાડે છે. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ એવું જ કરી રહી છે.
IPL 2026 ની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે સિઝન ખરાબ રહી છે. એકવાર તેઓ પોઈન્ટ ટેબલમાં છેલ્લા બે સ્થાન પર આવી ગયા પછી, તેઓ ફરીથી ઉપર આવી શક્યા નહીં. લખનૌ અને મુંબઈ બંને એક જ દિવસે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા હતા. જ્યારે બીજી તરફ ટોપ-4 માં પહોંચવા માટે અન્ય આઠ ટીમો માટે દરેક મેચ વધુ મહત્વપૂર્ણ બની ગઈ હતી. હવે સાથે મળીને મુંબઈ-લખનૌ બાકીની ટીમો માટે સમસ્યાઓ ઊભી કરી રહી છે.
મુંબઈ અને લખનૌ હવે આ આઠ ટીમો માટે ખતરો બની રહી છે. MI અને LSG અન્ય ટીમોના પ્લેઓફના સમીકરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કામ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સે એક રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, જેના કારણે પંજાબ 13 પોઈન્ટ પર અટવાઈ ગયું. બીજા જ દિવસે લખનૌ સુપરજાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ આવું જ કર્યું. લખનૌએ સિઝનનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ચેન્નાઈને સાત વિકેટથી હરાવીને ટોપ-4 માં સ્થાન મેળવવાથી થોડા અંતરે ચૂકી ગયું.
આ પરિણામોએ પંજાબ અને ચેન્નાઈને મુશ્કેલીમાં મુકી દીધા છે. બંને ટીમો પાસે ફક્ત બે મેચ બાકી છે, અને આ તેમના માટે સમસ્યા બની ગઈ છે. પરંતુ લખનૌ અને મુંબઈના પંજાબ અને ચેન્નાઈના સમીકરણને બગાડવાના પ્રયાસો હજુ પૂરા થયા નથી. લખનૌની રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે બે મેચ બાકી છે. જો ટીમ આ બંને મેચ જીતી જાય છે, તો રાજસ્થાન અને પંજાબ માટે મુશ્કેલીઓ વધશે.
મુંબઈ ઈન્ડિયન્સની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક અને રાજસ્થાન સામે એક મેચ બાકી છે. કોલકાતાની પ્લેઓફની આશા પણ લગભગ પૂરી થઈ ગઈ છે, પરંતુ રાજસ્થાનની સફર હજી બાકી છે. જો રાજસ્થાન લખનૌ સામે હારી જાય અને પછી મુંબઈ તેમને અંતિમ મેચમાં હરાવે, તો પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બનશે.
પંજાબની વાત કરીએ તો, લખનૌનો સામનો કરતા પહેલા તેમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરવો પડશે, જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો પંજાબ બંને મેચ હારી જાય, તો તેમની સફર પણ પૂરી થઈ શકે છે.
Published On - 4:16 pm, Sat, 16 May 26