
ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL સિઝનની પહેલી મેચમાં વિસ્ફોટક બેટિંગથી ભરપૂર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. IPL 2026 ની આ પહેલી મેચને લઈને ઘણી અપેક્ષાઓ અને ઉત્સાહ છે. આ મેચ ખાસ બનવાની પણ તૈયારી છે કારણ કે બંને ટીમો નવ વર્ષ પછી સિઝનની પહેલી મેચમાં ટકરાશે, અને આ નવ વર્ષમાં બંને ટીમોના કેટલાક ખેલાડીઓની પણ અદલા-બદલી થઈ છે.
IPL 2026 ની પહેલી મેચ 28 માર્ચ, શનિવારના રોજ રમાશે, જેમાં બેંગલુરુ અને હૈદરાબાદ એકબીજા સામે રમશે. આ મેચ ઘણી રીતે ખાસ રહેશે, કારણ કે પહેલીવાર RCB ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે અને ભૂતપૂર્વ ચેમ્પિયનનો સામનો કરશે. વધુ ખાસ વાત એ છે કે નવ વર્ષ પછી IPL સિઝન RCB અને SRH વચ્ચેની મેચથી શરૂ થશે. અગાઉ, IPL 2017 સિઝનની શરૂઆત આ બે ટીમો વચ્ચેના મુકાબલાથી થઈ હતી.
તે સિઝનમાં SRH ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહ્યું હતું, કારણ કે હૈદરાબાદે ગત સિઝનમાં ફાઈનલમાં બેંગલુરુને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે, કહાની બદલાઈ ગઈ છે, અને RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી રહ્યું છે. પરંતુ આ એકમાત્ર ફેરફાર નથી; આ નવ વર્ષમાં બંને ટીમોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, અને તે કોઈ નાના ફેરફારો નથી.
હકીકતમાં, 2017 ની મેચમાં બેંગલુરુની પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ સામેલ હતો, જ્યારે હૈદરાબાદની ટીમમાં અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનો સમાવેશ થતો હતો. પરંતુ હવે નવ વર્ષ પછી, હેડ SRH માટે સિઝનની શરૂઆત કરશે, જ્યારે ભુવનેશ્વર RCB માટે ઓપનિંગ મેચ રમશે.
બીજી એક નોંધપાત્ર વાત એ છે કે તે મેચમાં બંને ટીમોના પ્લેઈંગ ઈલેવનમાં ટ્રેવિસ હેડ અને ભુવનેશ્વર કુમાર સિવાય હાલની ટીમનો કોઈ પણ ખેલાડી નહોતો. વિરાટ કોહલી તે મેચમાં રમી શક્યો ન હતો જેથી શેન વોટસન RCBનું નેતૃત્વ કરી રહ્યો હતો. જોકે, હવે હેડ અને ભુવનેશ્વર કુમાર અલગ-અલગ ટીમો માટે રમશે.
મેચના પરિણામની વાત કરીએ તો, SRH એ મેચ ખૂબ જ સરળતાથી જીતી ગયું. પહેલા બેટિંગ કરતા SRH એ 207 રન બનાવ્યા. યુવરાજ સિંહે માત્ર 27 બોલમાં 62 રન બનાવ્યા જયારે ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી હતી. જવાબમાં, બેંગ્લોરનો દાવ ફક્ત 172 રનમાં સમેટાઈ ગયો. ટ્રેવિસ હેડે 30 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી તે મેચનો ભાગ નહોતો.