
IPL 2026 ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેમના હોમ ગ્રાઉન્ડ MA ચિદમ્બરમ સ્ટેડિયમ પર પંજાબ કિંગ્સનો સામનો કરી રહ્યું છે. આ સિઝનમાં ચેન્નાઈએ હજુ સુધી જીતનું ખાતું ખોલ્યું નથી અને આ મેચમાં પોતાની પહેલી જીત નોંધાવવા માટે ઉત્સુક છે. આ મહત્વપૂર્ણ મેચ માટે, ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે 20 વર્ષીય ઓલરાઉન્ડર પ્રશાંત વીરને IPL ડેબ્યૂ કરવાની તક આપી છે. આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે પ્રશાંત વીર IPL હરાજીમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓમાંના એક છે.
પ્રશાંત વીર ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાનો રહેવાસી છે. તે ડાબોડી ઓર્થોડોક્સ સ્પિનર છે અને તેની બેટિંગ શૈલી પણ આક્રમક છે. IPL 2026 ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને ₹14.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. આ કિંમત IPL ઇતિહાસમાં એક અનકેપ્ડ ખેલાડી માટે સૌથી વધુ બોલીઓમાંની એક છે. ચેન્નાઈ મેનેજમેન્ટ તેને રવિન્દ્ર જાડેજાનો લાંબા ગાળાનો વિકલ્પ માને છે. યુવા ખેલાડીની ફિલ્ડિંગ, સ્પિન બોલિંગ અને નીચલા ક્રમમાં છગ્ગા મારવાની ક્ષમતાએ CSKને પ્રભાવિત કર્યા છે.
પ્રશાંત વીરે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે 3 ફર્સ્ટ-ક્લાસ મેચ, 8 લિસ્ટ A મેચ અને 9 T20 મેચ રમી છે. T20 ફોર્મેટમાં, તેણે 12 વિકેટ લીધી છે અને લગભગ 170 ના સ્ટ્રાઇક રેટથી 200 થી વધુ રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 37 થી વધુની સરેરાશ અને 170 ની આસપાસ સ્ટ્રાઇરેટથી 6 ઇનિંગ્સમાં 112 રન બનાવ્યા હતા. તેણે 9 વિકેટ પણ લીધી અને તેનો ઈકોનોમી રેટ પણ ફક્ત 6.7 રહ્યો હતો.
સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ.