
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે ચેપોક ખાતે રમાનારી IPL મેચ પહેલા સૌથી મોટો સવાલ MS ધોનીને લઈને છે. શરૂઆતમાં બે અઠવાડિયા સુધી બહાર રહેવાની વાત વચ્ચે હવે ધોની નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળતા ફેન્સમાં આશા જાગી છે. પરંતુ શું તે આજે મેદાનમાં ઉતરશે કે નહીં, તે હજુ પણ સ્પષ્ટ નથી.
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો રમાશે. બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને CSK માટે, કારણ કે તેઓ સિઝનની શરૂઆત હારથી કરી ચૂક્યા છે.
મેચ પહેલા સૌથી વધુ ચર્ચા ધોનીની હાજરી અંગે ચાલી રહી છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં CSK તરફથી માહિતી આપવામાં આવી હતી કે ધોનીને પગના સ્નાયુમાં દુખાવો હોવાથી તે ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે બહાર રહેશે. આ કારણે તે પહેલી મેચમાં ટીમ સાથે નહોતો. પરંતુ તાજેતરમાં ધોનીને ચેપોકમાં નેટ પ્રેક્ટિસ કરતા જોવામાં આવ્યો છે. તેની આ હાજરીએ ફેન્સમાં નવી આશા જગાવી છે કે કદાચ તે ઝડપથી ફિટ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ‘થાલા’ની વાપસી અંગે ચર્ચાઓ તેજ બની છે.
જોકે, પ્રેક્ટિસ કરવી અને મેચ રમવી – બંને વચ્ચે મોટો ફરક છે. ટીમ મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. IPL લાંબી ટુર્નામેન્ટ હોવાથી શરૂઆતની મેચ માટે ધોનીને ઉતારવાની ઉતાવળ કરવી CSK માટે યોગ્ય ગણાશે નહીં. માહિતી મુજબ, ધોની આજે પણ મેચ નહીં રમે. તે ટીમ સાથે ડગઆઉટમાં રહેશે અને પોતાના અનુભવથી ટીમને માર્ગદર્શન આપશે. તેની હાજરી મેદાન બહાર પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે.
જો ધોની નહીં રમે, તો વિકેટકીપિંગની જવાબદારી ફરી અન્ય ખેલાડી સંભાળી શકે છે, જેમ કે પહેલાની મેચમાં જોવા મળ્યું હતું. લગભગ તો સંજુ સેમસન જ વિકેટકીપિંગ કરશે, પણ જો અંતિમ સમયે ટીમ નિર્ણય બદલે તો અન્ય વિકેટકિપર પણ મેચમાં જોવા મળી શકે છે. હવે જોવાનું રહેશે કે CSK ધોની વિના કેવી રીતે પ્રદર્શન કરે છે અને શું તેઓ આ મેચમાં જીત મેળવી પોતાનું ખાતું ખોલી શકે છે.