
IPL 2026 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હૈદરાબાદ સામેની મેચમાં બેટિંગ કરતી વખતે તેને હેમસ્ટ્રિંગમાં ખેંચ આવી હતી. પરિણામે, તે હવે ટીમનો ભાગ નથી. હવે CSK એ મ્હાત્રેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે આયુષ મ્હાત્રેના સ્થાને ઝડપી બોલર આકાશ માધવાલને સાઈન કર્યો છે. માધવાલ ઝડપી બોલર છે જે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (2023 અને 2024) અને રાજસ્થાન રોયલ્સ (2025) માટે IPLમાં રમી ચૂક્યો છે.
આજ સુધીમાં તેણે 17 IPL મેચ રમી છે અને 23 વિકેટ લીધી છે. માધવાલની સૌથી યાદગાર મેચ 2023 સિઝનની એલિમિનેટર મેચ હતી, જ્યારે તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન IPL પ્લેઓફમાં એક અનકેપ્ડ ખેલાડી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન છે અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
IPL 2023 માં માધવાલે 8 મેચમાં 14 વિકેટ લીધી હતી. 2024 માં તેણે 5 મેચમાં 5 વિકેટ લીધી અને 2025માં રાજસ્થાન રોયલ્સ માટે 4 મેચમાં 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. માધવાલ તેની સચોટ લાઈન અને લેન્થ અને ઝડપી બોલિંગ માટે જાણીતો છે, જે ડેથ ઓવરોમાં ખાસ કરીને અસરકારક સાબિત થાય છે. તેથી, તે બાકીની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તે મેચ વિનર સાબિત થઈ શકે છે.
આયુષ મ્હાત્રે આ સિઝનમાં CSK માટે સારા ફોર્મમાં હતો. તેણે માત્ર છ મેચમાં બે અડધી સદી ફટકારી હતી અને ટીમના ટોચના ક્રમમાં મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, ઈજાને કારણે તેને સિઝનની મધ્યમાં ટીમ છોડવાની ફરજ પડી હતી. તેને સારા થવામાં 6 થી 12 અઠવાડિયા લાગવાની ધારણા છે, જેથી તેનું આ સિઝનમાં કમબેક કરવું મુશ્કેલ છે.
Published On - 5:52 pm, Thu, 23 April 26