
IPL દરમિયાન ખેલાડીઓના વર્તન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને BCCI ગંભીર બન્યું છે. બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ખેલાડીઓ સાથે તેમના નજીકના લોકો ટીમના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. બોર્ડનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓથી સુરક્ષા અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલ પર અસર પડી શકે છે.
સૈકિયાના જણાવ્યા અનુસાર, કેટલાક અનધિકૃત વ્યક્તિઓ ખેલાડીઓ સાથે ટીમ બસમાં મુસાફરી કરી રહ્યા હતા અને ટીમ હોટલમાં પણ રોકાઈ રહ્યા હતા. ઉપરાંત, તેઓ ખેલાડીઓ અને અધિકારીઓના રૂમ સુધી પણ પહોંચી રહ્યા હતા. BCCIએ આ વર્તનને ગંભીર ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે તે નિયમોનું ઉલ્લંઘન છે.
BCCI હવે IPL ટીમ માલિકો અને ફ્રેન્ચાઇઝી અધિકારીઓ માટે પણ નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, કેટલાક માલિકો લાઈવ મેચ દરમિયાન એવા વિસ્તારોમાં જઈ રહ્યા હતા જ્યાં તેમની એન્ટ્રી પ્રતિબંધિત છે. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશને લઈને બોર્ડ વધુ સખ્ત બન્યું છે.
#WATCH | Guwahati, Assam: BCCI Secretary Devajit Saikia says, “This time, we have observed various anomalies and irregularities in the conduct of certain franchises and players. So BCCI and IPL are preparing an advisory, and we are going to release that advisory this evening… pic.twitter.com/JtScEpcpCg
— ANI (@ANI) May 7, 2026
આ સિઝનમાં હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ તેમના પાર્ટનર સાથે જાહેરમાં જોવા મળ્યા હતા. કેટલાક પ્રસંગોમાં તેઓ ટીમ સાથેની મુસાફરી દરમિયાન પણ સાથે દેખાયા હતા. જોકે, BCCIએ કોઈ એક ખેલાડીનું નામ લઈને કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી નથી.
આવનારા દિવસોમાં BCCI દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા છે. તેમાં ખેલાડીઓ, ટીમ અધિકારીઓ અને ફ્રેન્ચાઇઝી માલિકો માટે અલગ-અલગ નિયમો નક્કી થઈ શકે છે. બોર્ડનું મુખ્ય ધ્યાન IPLની શિસ્ત, સુરક્ષા અને પારદર્શિતા જાળવી રાખવા પર રહેશે.