
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ શ્રેયસ અય્યરની T20 કારકિર્દી માટે ખાસ ક્ષણ હતી. લગભગ 936 દિવસ અને સતત 63 T20 આંતરરાષ્ટ્રીય મેચો બાદ તેણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. આ સાથે જ તેને પ્રથમ વખત ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરવાની તક પણ મળી હતી. ચાહકોને તેની પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરની શરૂઆત નિરાશાજનક રહી હતી.
183 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતને અભિષેક શર્માએ ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે, સંજુ સેમસન અને ઈશાન કિશનના ઝડપથી આઉટ થતાં દબાણ વધ્યું અને શ્રેયસ અય્યરને વહેલી બેટિંગ માટે આવવું પડ્યું. પરંતુ તે આ તકનો લાભ લઈ શક્યો નહીં અને માત્ર 7 બોલમાં 3 રન બનાવીને ડેબ્યૂ કરનાર ઝડપી બોલર મેથ્યુ હોલાર્ડનો શિકાર બન્યો.
કેપ્ટનશીપની સાથે શ્રેયસની વાપસી પણ ખાસ બની શકી નહીં. લાંબા સમય બાદ મળેલી તકમાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો. પરિણામે ભારતીય ટીમ મધ્યક્રમમાં દબાણમાંથી બહાર આવી શકી નહીં અને રનચેઝ મુશ્કેલ બની ગયો હતો. તેની કપ્તાનીમાં ભારત પહેલીવાર આયર્લેન્ડ સામે હાર્યું હતું અને શરમજનક રેકોર્ડ બન્યો હતો.
Not good start for Shreyas Iyer as captain..!! But a setback is good for a stronger comeback pic.twitter.com/N1LFTXHTpu
— Yuvraj Singh Fans (@Yuvifansclub) June 26, 2026
માત્ર શ્રેયસ અય્યર જ નહીં, પરંતુ પ્રથમ વખત T20 ટીમના વાઈસ કેપ્ટન બનેલો તિલક વર્મા પણ અપેક્ષા મુજબ રમી શક્યો નહીં. તેણે 21 બોલમાં માત્ર 19 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા સિવાય ટોપ ઓર્ડરનો કોઈ પણ બેટ્સમેન જવાબદારીપૂર્વક રમ્યો નહીં, જેના કારણે ભારત સતત વિકેટ ગુમાવતું રહ્યું.
અંતે ભારતીય ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી નહીં અને 34 રને પરાજય થયો હતો. આ જીત સાથે આયર્લેન્ડે ભારત સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી, જ્યારે શ્રેયસ અય્યર માટે કેપ્ટન તરીકેની શરૂઆત યાદગાર બનવાને બદલે નિરાશાજનક સાબિત થઈ હતી.