‘તે સચિન અને વિરાટ જેવો છે’… વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટનનું મોટું નિવેદન

ભારતના દિગ્ગજ ક્રિકેટરે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની પ્રતિભાના ખુલ્લેઆમ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે વૈભવને તેની ઉંમરથી નહીં પરંતુ તેની ક્ષમતાથી આંકવો જોઈએ. તેમણે વૈભવની સરખામણી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓ સાથે કરતાં કહ્યું કે હવે તેને તમામ ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની જરૂર છે.

તે સચિન અને વિરાટ જેવો છે... વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટનનું મોટું નિવેદન
Vaibhav Suryavanshi
Image Credit source: X
| Updated on: Jul 03, 2026 | 8:25 PM

ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. તે પહેલાં આયર્લેન્ડ સામેની શ્રેણીમાં પણ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં પણ તેને તક ન મળતાં ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. આ દરમિયાન ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે વૈભવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

કપિલ દેવે વૈભવ સૂર્યવંશીના કર્યા વખાણ

કપિલ દેવે કહ્યું કે વૈભવ સૂર્યવંશી અસાધારણ પ્રતિભા ધરાવતો ખેલાડી છે. જોકે, તેમણે સાથે જ એ પણ જણાવ્યું કે આટલી નાની ઉંમરે ખેલાડીને વધુ પડતી હાઈપ આપવી યોગ્ય નથી. તેમના મતે વૈભવે હજુ ઘણું શીખવાનું છે અને ધીમે-ધીમે તેને પોતાની રમત વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

સચિન-કોહલી સાથે વૈભવની સરખામણી

કપિલ દેવે વૈભવની પ્રતિભાની સરખામણી ભારતીય ક્રિકેટના બે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સાથે કરી હતી. તેમણે કહ્યું કે પ્રતિભાની દ્રષ્ટિએ વૈભવ પણ એટલો જ સક્ષમ છે. જોકે હાલ તેની ઓળખ મુખ્યત્વે ટી20 ક્રિકેટમાં છે અને હવે તેને વનડે તથા ટેસ્ટ જેવા અન્ય ફોર્મેટમાં પણ પોતાની કાબેલિયત સાબિત કરવી પડશે.

 

ઓછી ઉંમરે નિર્ભય બેટિંગ કરનારા ખેલાડી

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં જણાવ્યું કે ખૂબ ઓછી ઉંમરે આટલી નિર્ભય બેટિંગ કરનારા ખેલાડીઓ ભાગ્યે જ જોવા મળે છે. તેમણે સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં કહ્યું કે જ્યારે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો ત્યારે પણ ઘણા લોકોને તેમની ઉંમર અંગે શંકા હતી, પરંતુ તેણે પોતાની પ્રતિભાથી તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

ઉંમરથી નહીં, ક્ષમતાના આધારે ખેલાડીનું મૂલ્યાંકન

કપિલ દેવનું માનવું છે કે કોઈપણ ખેલાડીનું મૂલ્યાંકન તેની ઉંમરથી નહીં પરંતુ તેની તૈયારી અને ક્ષમતાના આધારે થવું જોઈએ. જો વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય તો તેને તક આપવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. હવે સૌની નજર ઈંગ્લેન્ડ સામેની બાકીની T20 મેચો પર રહેશે, જ્યાં ચાહકો વૈભવના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Breaking News: ભારત સામેની ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આક્રમક બેટ્સમેન બહાર, 16 વર્ષે ડેબ્યૂ કરનારને તક

Follow Us