
ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે. ટુર્નામેન્ટ 12 જૂનથી 5 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં યોજાશે. કુલ 12 ટીમો બે ગ્રુપમાં વહેંચાઈ છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી 14 જૂને એજબેસ્ટન ખાતે હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે.
ICC દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ ટુર્નામેન્ટ મહિલા T20 વર્લ્ડ કપની 10 મી આવૃત્તિ હશે. ઓપનિંગ મેચ 12 જૂને એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ સુધીના તમામ મુકાબલા ઇંગ્લેન્ડના પ્રતિષ્ઠિત મેદાનોમાં યોજાશે.
ગ્રુપ 1 માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સનો સમાવેશ થયો છે. જ્યારે ગ્રુપ 2માં વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ સામેલ છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં પાંચ મેચ રમશે અને ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.
Save the dates ️
With all 12 teams locked in, presenting the full fixture list for ICC Women’s #T20WorldCup 2026
Details ➡️ https://t.co/ZijM7mQU38 pic.twitter.com/rH9LyzEo6B
— ICC (@ICC) February 24, 2026
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવાર, 14 જૂને એજબેસ્ટન ખાતે યોજાશે. ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર રહેશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચક રહ્યો છે, તેથી આ મેચ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેશે.
ટુર્નામેન્ટ દરમિયાન હેડિંગ્લી, હેમ્પશાયર બાઉલ, ઓલ્ડ ટ્રેફોર્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ, ધ ઓવલ અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેવા ઐતિહાસિક મેદાનો પર મેચો રમાશે. 30 જૂન અને 2 જુલાઈએ ધ ઓવલ ખાતે બે સેમિફાઈનલ યોજાશે, જ્યારે 5 જુલાઈએ લોર્ડ્સમાં ફાઈનલ રમાશે.
કુલ 33 મેચો ધરાવતી આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. વિશ્વની શ્રેષ્ઠ 12 ટીમો ખિતાબ માટે જંગ લડશે. ક્રિકેટપ્રેમીઓ માટે જૂન અને જુલાઈ મહિનો રોમાંચ અને સ્પર્ધાથી ભરેલો રહેશે, જેમાં દરેક મેચનું મહત્ત્વ નિર્ણાયક રહેશે.
Published On - 3:59 pm, Tue, 24 February 26