
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ દેશભરમાં ઉજવણીના માહોલમાં છે. આ ઐતિહાસિક વિજય પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા. બંનેએ વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભગવાન ગણેશના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
મંદિરમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે ખૂબ જ શ્રદ્ધાભાવે પ્રાર્થના કરી હતી. તેઓ ટ્રોફીને ભગવાન ગણેશ સમક્ષ રાખીને પ્રણામ કરતા પણ જોવા મળ્યા હતા. મંદિરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકો માટે આ દૃશ્ય ખૂબ જ ખાસ બની ગયું હતું. ટીમ ઈન્ડિયાની જીત પછી ટ્રોફી સાથે મંદિર પહોંચવાનું દૃશ્ય સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયું હતું.
ઉલ્લેખનીય છે કે 8 માર્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનના રેકોર્ડ માર્જિનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. વિશ્વ ક્રિકેટમાં સતત બે વખત આ ખિતાબ જીતનાર ભારત પહેલો દેશ બન્યો છે.
SHREE SIDDHIVINAYAK TEMPLE FOR BAPPA’S BLESSINGS !
• Captain Suryakumar Yadav, Jay Shah and Gautam Gambhir brought the T20 World Cup trophy to the Shree Siddhivinayak Temple for Bappa’s blessings. pic.twitter.com/vk7wmkouqw
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 14, 2026
ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર અને સંતુલિત પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ A માં ભારત ટોપના સ્થાને રહ્યું હતું અને શરૂઆતથી જ ટીમે મજબૂત રમત બતાવી હતી. ટીમના બેટ્સમેન અને બોલર્સ બંનેએ મહત્વપૂર્ણ સમયે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી.
સુપર 8 રાઉન્ડમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે દમદાર જીત મેળવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. જોકે દક્ષિણ આફ્રિકા સામેના એક મુકાબલામાં ટીમ ઈન્ડિયાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ પર થોડો દબાણ પણ આવ્યો હતો.
આ મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે જણાવ્યું હતું કે તે મેચમાં અક્ષર પટેલને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય યોગ્ય નહોતો. જોકે ટીમે તે પરાજયમાંથી પાઠ શીખીને જોરદાર વાપસી કરી અને અંતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. હવે ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતનો ઉત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે.